મોદી સરકાર 25 થી 30 એપ્રિલ સુધી ખેતીને લઈને દેશવ્યાપી અભિયાન શરૂ કરવા જઈ રહી છે. જેનું નામ છે ‘કિસાન ભાગીદારી, પ્રાથમિકતા હમારી’. જે અંતર્ગત કૃષિને લગતી તમામ સંસ્થાઓ કાર્યક્રમ કરશે. જેનો હેતુ ખેડૂતોને ફાયદો કરાવવાનો છે. તેથી ખેડૂતો(Farmers)ને લગતી યોજનાઓની માહિતી આપીને વધુમાં વધુ લાભ મળે તેવા પ્રયાસો કરવામાં આવશે. કૃષિ સંશોધન અને શિક્ષણ વિભાગ દરેક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) માં કૃષિ મેળો અને કુદરતી ખેતી પર એક પ્રદર્શનનું આયોજન કરશે. દેશમાં 720 KVK છે. આ રીતે તમામ ખેડૂતોને એક સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. આ અભિયાનમાં ડેરી, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ વિભાગો પણ સહકાર આપશે.
અભિયાન દરમિયાન દેશની આઝાદીના 75 વર્ષમાં કૃષિ ક્ષેત્રના વિકાસના મહત્વના પાસાઓને ઉજાગર કરવામાં આવશે. મોટાભાગના કાર્યક્રમોનું ઉદ્ઘાટન કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર કરશે. તેઓ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ‘ફસલ બીમા પાઠશાળા’ પણ શરૂ કરશે.
ગ્રામીણ વિકાસ મંત્રાલયના સહયોગથી કૃષિ-પારિસ્થિતિક અને પશુધન પ્રથાઓ પર વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવશે. વાણિજ્ય મંત્રાલય અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય દ્વારા વન ડિસ્ટ્રિક્ટ-વન પ્રોડક્ટ (ODOP) પર વેબિનારનું આયોજન કરવામાં આવશે. જેમાં પસંદગીના 75 ખેડૂતો અને ઉદ્યોગ સાહસિકો સાથે રાષ્ટ્રીય સ્વનિર્ભર ભારત પરિષદનું આયોજન કરવામાં આવશે. ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલય અને મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય જિલ્લા-એક ઉત્પાદન આધારિત વર્કશોપ, વેબિનાર અને વિભાગોની વિવિધ યોજનાઓ વિશે જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરશે.
સરકાર સિદ્ધિઓ જણાવશે
આ મંત્રાલયોના કેબિનેટ અને રાજ્ય મંત્રીઓ સહિત સ્થાનિક જનપ્રતિનિધિઓ અને એક કરોડથી વધુ ખેડૂતો દેશભરમાં ઓફલાઈન અને ઓનલાઈન માધ્યમથી આ અભિયાનમાં ભાગ લે તેવી અપેક્ષા છે. ‘કિસાન ભાગીદારી, પ્રાથમિકતા હમારી’ અભિયાન દરમિયાન કેન્દ્ર સરકારની વિવિધ મોટી યોજનાઓ હેઠળની પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓ જણાવવામાં આવશે.
આ પણ વાંચો: Alphonso Mango Price : કેરી રસિયાઓ માટે ખુશખબર, હાફુસની કિંમતમાં આવ્યો ઘટાડો, જાણો શું છે ભાવ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો