કૃષિ ક્ષેત્રે (Agricultural Sector)ભારતની યાત્રા એક નવો અધ્યાય લખવા તરફ આગળ વધી રહી છે. જેનું ઉદાહરણ ભારતની કૃષિ નિકાસ (Agricultural Exports)માં જોવા મળ્યું છે. ભારતની કૃષિ નિકાસમાં 23 ટકાનો વધારો નોંધાયો છે. કૃષિ નિકાસમાં આ વધારો એપ્રિલ 2021 થી જાન્યુઆરી 2022 વચ્ચે થયો છે. જેમાં ગત વર્ષની સરખામણીએ વિદેશી બજારોમાં ભારતીય ઘઉં (Wheat)ની માંગમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. કોરોનાથી પ્રભાવિત વૈશ્વિક બજારોમાં ભારતીય ઘઉં તેમજ ભારતીય અનાજ, અન્ય અનાજ, ચોખા, ડેરી ઉત્પાદનોમાંથી તૈયાર થતી વિવિધ પ્રોસેસ્ડ વસ્તુઓની માગમાં વધારો થયો છે.
એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) ના ડેટા અનુસાર, ભારતીય ચોખાએ ભારતીય કૃષિ ઉત્પાદનોની નિકાસમાંથી કુલ આવકમાં સૌથી વધુ ડોલર એકત્ર કર્યો છે. માહિતી અનુસાર, ભારતીય ચોખાની નિકાસમાં 10 મહિનામાં 7,696 મિલિયન ડોલરની કમાણી થઈ છે. તે જ સમયે, ગયા વર્ષની સરખામણીમાં ચોખાની નિકાસમાં 13 ટકાનો વધારો થયો છે.
APEDA ડેટા અનુસાર, એપ્રિલ-જાન્યુઆરી 2020-21માં ભારતની કૃષિ નિકાસ 15,974 મિલિયન અમેરિકન ડોલર હતી, જે એપ્રિલ-જાન્યુઆરી 2021-22માં વધીને 19,709 મિલિયન અમેરિકન ડોલર થઈ હતી. જો કે, APEDA એ 2021-22 હેઠળ કૃષિ ઉત્પાદનોની નિકાસથી 23,713 મિલિયન અમેરિકન ડોલરની કમાણી કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
આ વખતે વિદેશમાં ભારતીય ઘઉંની માગમાં જોરદાર ઉછાળો આવ્યો છે. APEDAના ડેટા અનુસાર, 2020-21ની સરખામણીમાં છેલ્લા 10 મહિનામાં ભારતીય ઘઉંની માંગમાં 387 ટકાનો વધારો થયો છે. એપ્રિલ-જાન્યુઆરી 2021-22 દરમિયાન, ઘઉંની નિકાસમાં 1,742 મિલિયન અમેરિકન ડોલરની વિશાળ વૃદ્ધિ નોંધાઈ છે.
એપ્રિલ-જાન્યુઆરી 2020-21 દરમિયાન, ભારતીય ઘઉંની નિકાસમાંથી 358 મિલિયન અમેરિકન ડોલરની આવક થઈ હતી. જ્યારે એપ્રિલ-જાન્યુઆરી 2021-22 દરમિયાન ભારતીય ઘઉંની નિકાસમાંથી 1742 મિલિયન અમેરિકન ડોલરની આવક થઈ છે. બીજી તરફ અન્ય અનાજની નિકાસમાં 66 ટકાનો વધારો નોંધાયો છે.
APEDA અનુસાર, એપ્રિલ-જાન્યુઆરી 2021-22 દરમિયાન માંસ, ડેરી અને પોલ્ટ્રી ઉત્પાદનોની નિકાસમાં 13 ટકાનો વધારો થયો છે. એપ્રિલ-જાન્યુઆરી 2021-22 દરમિયાન માંસ, ડેરી અને પોલ્ટ્રી ઉત્પાદનોની નિકાસથી 3,408 મિલિયન અમેરિકન ડોલરની આવક થઈ છે.
જ્યારે એપ્રિલ-જાન્યુઆરી 2020-21 દરમિયાન, માંસ, ડેરી ઉત્પાદનોની નિકાસમાંથી 3,005 મિલિયન અમેરિકન ડોલરની આવક થઈ હતી. એ જ રીતે, ફળો અને શાકભાજીની નિકાસ એપ્રિલ-જાન્યુઆરી 2020-21માં 1,037 મિલિયન અમેરિકન ડોલરની સામે એપ્રિલ-જાન્યુઆરી 2021-22 દરમિયાન 16 ટકા વધીને 1,207 મિલિયન અમેરિકન ડોલર થઈ છે.
આ પણ વાંચો: WhatsApp Updates: WhatsApp હવે થશે વધુ સુરક્ષિત, કંપનીએ લોન્ચ કર્યું બ્રાઉઝર એક્સટેંશન, આ રીતે કરશે કામ