ઉંઝાના જીરું-વરિયાળીને મળ્યો GI ટેગ, ગુજરાતના મસાલાને મળી વૈશ્વિક ઓળખ!

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'વોકલ ફોર લોકલ' અને 'લોકલ ટુ ગ્લોબલ' ના વિઝનને આગળ વધાવતા, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ પરંપરાગત કૃષિ ઉત્પાદનોને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળી રહી છે.

ઉંઝાના જીરું-વરિયાળીને મળ્યો GI ટેગ, ગુજરાતના મસાલાને મળી વૈશ્વિક ઓળખ!
Unjha Cumin Fennel
Image Credit source: AI Generated
| Updated on: Jul 14, 2026 | 2:23 PM

ગુજરાત રાજ્યએ વધુ એક મોટી સિદ્ધિ મેળવી છે. કૃષિ ક્ષેત્રમાં ઉત્તર ગુજરાતના પ્રખ્યાત મસાલા ઉત્પાદનો ઉંઝાનું જીરું અને ઉંઝાની વરિયાળીને ભારત સરકારની GI રજિસ્ટ્રી દ્વારા જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટેગ આપવામાં આવ્યું છે. આ માન્યતા મળવાથી બંને ઉત્પાદનોને વિશિષ્ટ ભૌગોલિક ઓળખ મળશે. જેના કારણે તેમની બ્રાન્ડ વેલ્યુ વધશે. વૈશ્વિક બજારમાં તેમની પહોંચ વધુ મજબૂત બનશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ અને ‘લોકલ ટુ ગ્લોબલ’ના વિઝનને અનુરૂપ, આ Gl ટેગ આપણા ઉત્પાદનોને ગામડાથી વૈશ્વિક બજારોમાં લઈ જવા તરફનું બીજું પગલું છે. આ ફક્ત સરકારી પ્રમાણપત્ર નથી, તે આપણા ખેડૂતોના સમર્પણ, આપણા કૃષિ ઉત્પાદનની ગુણવત્તા, વેપારીઓના વિશ્વાસ અને ઉંઝાની સમૃદ્ધ કૃષિ પરંપરાને મળેલું સન્માન છે. આ ટેગ બંને ઉત્પાદનોને વૈશ્વિક બજારમાં એક અલગ ઓળખ મળશે અને ગુજરાતના કૃષિ ઉત્પાદનોની પ્રતિષ્ઠા વધુ વધશે.

શું છે GI ટેગ ?

જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટેગ એવા ઉત્પાદનોને આપવામાં આવે છે જેની વિશેષ ગુણવત્તા કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તાર સાથે જોડાયેલી હોય. જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ઓફ ગુડ્સ (રજિસ્ટ્રેશન એન્ડ પ્રોટેક્શન) એક્ટ, 1999 હેઠળ આપવામાં આવતો GI ટેગ ઉત્પાદનની અસલિયત અને તેના મૂળ વિસ્તારની સત્તાવાર ઓળખ છે. તે નકલી ઉત્પાદનોના વેચાણને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. GI ટેગ મળ્યા બાદ ઉંઝાનું જીરું અને વરિયાળી ભૌગોલિક બ્રાન્ડ તરીકે ઓળખાશે. તેનાથી દેશ-વિદેશના બજારમાં વિશ્વસનીયતા વધશે. નિકાસની તકો મજબૂત બનશે.

GI ટેગ ધરાવતા ઉત્પાદનો 20થી 30 ટકા વધુ ભાવ મેળવી શકે છે

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, GI ટેગ ધરાવતા પ્રોડક્ટ અને ઉત્પાદનો સામાન્ય ઉત્પાદનો કરતાં 20થી 30 ટકા વધુ ભાવ મેળવી શકે છે. આથી ખેડૂતોની આવકમાં વધારો થવાની શક્યતા રહેશે. સાથે જ સ્થાનિક કૃષિ અર્થતંત્રને પણ મોટો ફાયદો થઈ શકે છે. આ સિદ્ધિ માટે ઉંઝા APMC, ભારત સરકાર, ગુજરાત સરકારના બાગાયત અને ખેડૂત કલ્યાણ વિભાગ, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી (SDAU) અને એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII) સહિત અનેક સંસ્થાઓના સહયોગથી મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું છે.

GI ટેગ ઉંઝાના ખેડૂતો માટે ઐતિહાસિક સિદ્ધિ છે : ઉંઝા APMCના ચેરમેન

ઉંઝા APMCના ચેરમેન દિનેશ પટેલે જણાવ્યું કે, “GI ટેગ ઉંઝાના ખેડૂતો અને મસાલા વેપાર માટે ઐતિહાસિક સિદ્ધિ છે. તેનાથી ઉત્પાદનોની વિશ્વસનીયતા અને વૈશ્વિક માંગ વધી શકે છે. તેમજ ખેડૂતોને વધુ સારા ભાવ અને નિકાસની નવી તકો મળશે.

ગુજરાતના કૃષિ ઉત્પાદનોની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધશે

હાલમાં ભારત સરકારની GI રજિસ્ટ્રીમાં 400થી વધુ ઉત્પાદનો નોંધાયેલા છે. ગુજરાતના ગીર કેસર કેરી, ભાલિયા ઘઉં, કચ્છી ખારેક અને અમલસાડી ચીકુ જેવા ઉત્પાદનો પણ તેમાં સામેલ છે. હવે ઉંઝાનું જીરું અને વરિયાળી ઉમેરાતા ગુજરાતના GI ટેગ ધરાવતા કૃષિ ઉત્પાદનોની યાદી વધુ સમૃદ્ધ બની છે. આ માન્યતા ગુજરાતના કૃષિ ઉત્પાદનોની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારશે.

આ પણ વાંચો, Farming Tips : ખેતરોમાં પાણી ભરાવા પાછળ માત્ર વરસાદ નહીં, વર્ષોની રાસાયણિક ખેતી પણ છે જવાબદાર ?

Follow Us