હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલે શુક્રવારે કુરુક્ષેત્રમાં ગુરુકુળ ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Acharya Devvrat) અને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) સાથે પ્રાકૃતિક ખેતીના (Natural Farming) મોડલની વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે પ્રાકૃતિક ખેતીના મોડલને લોકો સુધી લઈ જવા માટે વધુને વધુ સંશોધન કરવા અને તેનો વિસ્તાર કરવાની વાત કરી. આ દરમિયાન હરિયાણાના ઉર્જા મંત્રી રણજીત સિંહ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી જયપ્રકાશ દલાલ અને ગુજરાતના કૃષિ મંત્રી રાઘવ પટેલ હાજર રહ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ કરીને કુરુક્ષેત્રના ગુરુકુળમાં પ્રાકૃતિક ખેતીનું મોડલ જાણવા પહોંચ્યા હતા. ગુજરાતના રાજ્યપાલ, બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ, હરિયાણાના ઉર્જા મંત્રી, કૃષિ મંત્રી, હરિયાણા સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિકારીઓ અને ગુજરાતના અધિકારીઓએ પ્રાકૃતિક ખેતી પર ઊંડું મંથન કર્યું હતું. આ પછી, ગુરુકુળના પ્રાકૃતિક ખેતી મોડેલની મુલાકાત લીધી અને ત્યાં ઉગાડવામાં આવતા કુદરતી પાકોનું નિરીક્ષણ કર્યું.
મનોહર લાલે કહ્યું કે પ્રાકૃતિક ખેતી એ સમયની જરૂરિયાત છે. દેશ-વિદેશમાં આ ખેતી તરફ ખેડૂતો અને ગ્રાહકોનો ઝોક વધી રહ્યો છે. આ ખેતી માત્ર ખેડૂતો માટે જ ફાયદાકારક નથી પરંતુ તેમાંથી ઉત્પાદિત થતી કૃષિ પેદાશો ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. હરિયાણા સરકાર કુદરતી ખેતી વધારવા માટે સતત પ્રયાસો કરી રહી છે. આ ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા ગાયની ખરીદી પર 25 હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે આજે ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો વધુ ઉપયોગ થાય છે. જેના કારણે જમીનની ફળદ્રુપ શક્તિ ઘટી રહી છે. આજે આપણે પ્રાકૃતિક ખેતી અપનાવવાની જરૂર છે. આ સાથે ખેડૂતનો ખર્ચ પણ શૂન્ય થઈ જશે અને પાણીનો બચાવ થશે. પર્યાવરણની સુરક્ષા પણ થશે. ખેડૂતોની આવકમાં વધારો થશે. એટલા માટે આપણે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની જરૂર છે.
હરિયાણાના કૃષિ મંત્રી જે.પી. દલાલે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી અપનાવવા ગુજરાતે હરિયાણા સાથે જે આદાનપ્રદાન કર્યું છે, તેને એક અભિયાન તરીકે અપનાવવામાં આવશે અને તેને રાજ્યભરમાં જનઆંદોલનનું સ્વરૂપ આપવામાં આવશે. તેમણે કહ્યું કે કુદરતી ખેતી દેશના ખેડૂત માટે જીવાદોરી બની રહી છે. તેમાંથી ઉત્પાદિત તમામ ઉત્પાદનો જેમ કે અનાજ, ફળો, શાકભાજી વગેરે લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે.
Published On - 2:58 pm, Sat, 17 September 22