ભારતના ખેડૂતો હવે પહેલા કરતા વધુ જાગૃત થઈ રહ્યા છે. આ જ કારણ છે કે પરંપરાગત પાકો સિવાય તેઓ નફાકારક પાક તરફ વળ્યા છે. આવા ઘણા છોડ છે, જેને ઉછેરવાથી તમે થોડા મહિનામાં અમીર બની શકો છો. આ છોડની ખાસ વાત એ છે કે આ છોડનો ઉપયોગ દવાઓ બનાવવાની સાથે અન્ય ઘણા મહત્વપૂર્ણ કાર્યોમાં થાય છે. પીપરમિન્ટ (Peppermint)અથવા મેન્થા (Mentha)ની ખેતી કરીને ખેડૂતો ઓછા રોકાણ કરીને વધુ નફો મેળવી શકે છે. આ રોકડિયા પાક છે. રોકડ પાક એટલે બજારની માગને ધ્યાનમાં રાખીને નફો મેળવવાના હેતુથી ઉગાડવામાં આવેલ પાક.
તેની ખેતી માટે સાનુકૂળ વાતાવરણ હોવું ખૂબ જ જરૂરી છે. તેની ખેતી જાન્યુઆરી-ફેબ્રુઆરીના અંતમાં શરૂ કરી શકાય છે. રેતાળ લોમ અને લોમ જમીન ખેતી માટે યોગ્ય છે. રોપણી કરતા પહેલા ખેતરમાં સારી રીતે ખેડાણ કરીને જમીનને સમત બનાવો. આ પછી તેમાં 20 થી 25 ટન સડેલું ગાયનું છાણ ઉમેરો. ખાતર નાખ્યા પછી ખેતરને સમતલ કરવું જોઈએ. રોપણી પછી તરત જ ખેતરમાં હળવું પાણી આપો. ખેતરમાં ડ્રેનેજની સારી વ્યવસ્થા પણ હોવી જોઈએ.
એવા વિસ્તારો કે જ્યાં શિયાળામાં હિમ અથવા હિમવર્ષા હોય. ત્યાં મેન્થા કે પીપરમિન્ટની ખેતી કરી શકાતી નથી. હિમ કે બરફ પડવાને કારણે છોડનો વિકાસ ઓછો થાય છે, બીજી તરફ તેલનું પ્રમાણ પણ ઓછું નીકળે છે. બીજી તરફ, મેન્થાની વાવણી ડુંગરાળ વિસ્તારોમાં માર્ચથી એપ્રિલની વચ્ચે કરવી જોઈએ. તેની વાવણીનું હારથી હારનું અંતર 60 સેમી અને છોડથી છોડનું અંતર 45 સેમી હોવું જોઈએ.
એક વીઘા જમીનમાં ઉગાડવામાં આવતા પીપરમિન્ટને ક્રશ કર્યા પછી 20 થી 25 લિટર તેલનું ઉત્પાદન થાય છે. બજારોમાં તેની કિંમત 1000 થી 1600 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે પીપરમિન્ટ ઓઈલના ઉત્પાદન પર પ્રતિ લીટર 500 રૂપિયાની આસપાસ ખર્ચ થાય છે. તેથી ખેડૂતો માટે આ એક સારો નફાકારક સોદો છે.
તેનો ઉપયોગ દર્દમાં રાહત આપતું તેલ અને દવા બનાવવામાં થાય છે. તે ઔષધીય ગુણોથી સંપન્ન છે. તેના તેલમાં મેન્થોન, મેંથોલ અને મિથાઈલ એસીટેટ મળી આવે છે. જેનો ઉપયોગ માથાનો દુખાવો, કમરનો દુખાવો, શ્વાસ સંબંધી રોગોની દવાઓમાં થાય છે. આ ઉપરાંત, સૌંદર્ય પ્રસાધનોની સાથે, તેનો ઉપયોગ પાન-મસાલાની સુગંધ, પીણા વગેરેમાં પણ થાય છે. એટલા માટે તેની સારી માગ છે. તે દાંતના દુઃખાવા અને માથાના દુખાવામાં ખૂબ જ ફાયદાકારક છે.