Anand : ચરોતરમાં શાકભાજી પકવતા ખેડૂતો (Farmers)રોકડિયા પાકના ગગડેલા ભાવથી પરેશાન છે. જોકે બટાકાના (Potatoes)ભાવમાં ગત વર્ષની સરખામણી 100 ટકાથી સવા સો ટકાનો વધારો થતા ખેડૂતોમાં આનંદ વ્યાપી જવા પામ્યો છે.
ચરોતર પંથકમાં બટાકાની ખેતી કરતા ખેડૂતો આ વર્ષે બટાકાના ઊંચા ભાવથી ખુશ થઈ ગયા છે. ગયા વર્ષ કરતા બમણા ભાવને કારણે તેમને બમ્પર આવક મળી છે. જે ખેડૂતો ગયા વર્ષે 400થી 500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે બટાકા વેચતા હતા, આ વર્ષે તેઓને તે જ બટાકાના 1200થી 1300 રૂપિયા મળી રહ્યા છે. ચાલુ વર્ષે જે ખેડૂતોએ બટાકાની વધુ ખેતી કરી છે તેમની આવકમાં પણ વધારો થયો છે. આ કારણે તેમની ખુશીનો કોઈ પાર નથી.
ચરોતરના આણંદ-ખેડા જિલ્લામાં આણંદ, બોરીયાવી ચકલાસી, કંજરી બોરીયાવી સહિતના વિસ્તારોમાં બટાકાનું મોટાપાયે વાવેતર થાય છે. ચાલુ વર્ષે લગભગ 3300 હેક્ટર જમીનમાં બટાટાનું વાવેતર થયું છે. જોકે, ડિસેમ્બર અને જાન્યુઆરીમાં બટાકાની સિઝન દરમિયાન વાદળછાયું આકાશને કારણે વાતાવરણ ગરમ હતું. જેના કારણે બટાકાના ઉત્પાદનમાં 20 ટકાનો ઘટાડો નોંધાયો છે . ચરોતર વિસ્તારમાં દર વર્ષે 2.40 લાખ ક્વિન્ટલ બટાટાનું ઉત્પાદન થાય છે. પરંતુ, આ વર્ષે બટાટાનું ઉત્પાદન 1.95 લાખ ક્વિન્ટલ થવાનો અંદાજ છે. બટાકાનું ઉત્પાદન ઓછું હોવા છતાં સારા ભાવ મળતા ખેડૂતોને ફાયદો થાય છે. ગત વર્ષે 100 રૂપિયા પ્રતિ 20 કિલોનો ભાવ આ વર્ષે 250 રૂપિયા સુધી પહોંચી ગયો છે.
છેલ્લા ત્રણ વર્ષથી બટાકાના ભાવમાં સતત ઘટાડો થતાં ખેડૂતોએ આ વખતે ઓછું વાવેતર કર્યું હતું.ગયા વર્ષે બટાકાના બિયારણનો ભાવ રૂ. 2200 હતો, પરંતુ આ વર્ષે તેના ભાવમાં ઘટાડો થયો છે. ખેડૂતોને તે 1100 રૂપિયામાં મળ્યું હતુ, આણંદ જિલ્લામાં 1500 હેક્ટર અને ખેડા જિલ્લામાં 2100 હેક્ટરમાં ખેડૂતોએ બટાટાનું વાવેતર કર્યું હતું. આ રીતે ચરોતરમાં કુલ 3600 હેક્ટરમાં કરવામાં આવ્યું હતું.ચાલુ વર્ષે આણંદ વિસ્તારમાં લગભગ 7000 હેક્ટરમાં ટામેટા, કોબીજ, ફ્લાવરનું વાવેતર થયું છે. આ શાકભાજીના વધુ ઉત્પાદનને કારણે ભાવમાં ઘટાડો થયો છે. વાદળછાયા વાતાવરણને કારણે શાકભાજીના વાવેતરને અસર થઈ છે.
બટાટાનો ભાવ (ક્વિન્ટલમાં )
વર્ષ 2019માં 350થી 400 રૂપિયા,
વર્ષ 2020માં 300થી 600 રૂપિયા,
વર્ષ 2021માં 500થી 600 રૂપિયા,
વર્ષ 2022માં 1100થી 1250 રૂપિયા છે.
આ પણ વાંચો : Vastu Tips: ઘરમાં આ ચમત્કારી છોડને લગાવવાથી ધન-ધાન્યમાં વૃદ્ધિ થશે, બીમારીઓ પણ દૂર રહેશે