ICC T20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup) માં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમ (Team India) ની હાર બાદ સોશિયલ મીડિયામાં કેટલાક ભારતીય ખેલાડીઓ વિશે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ ટી-20 કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ની 10 મહિનાની પુત્રી સામે બળાત્કારની ધમકીનો મામલો પણ સામે આવ્યો છે.
સોશિયલ મીડિયા પર આપવામાં આવેલી આ ધમકી બાદ હવે મુંબઈ પોલીસે (Mumbai Police) કાર્યવાહી કરીને એક આરોપીની હૈદરાબાદથી ધરપકડ કરી છે. મુંબઈ પોલીસે બુધવારે 10 નવેમ્બરે માહિતી આપી છે કે તેના સાયબર સેલે હૈદરાબાદથી એક આરોપીની ધરપકડ કરી છે, જેને મુંબઈ લઈ જવામાં આવી રહ્યો છે.
વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ બે મેચ હારી ગયા બાદ મોહમ્મદ શામી અને વિરાટ કોહલી વિશે ઘણા અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને કોહલીની 10 મહિનાની પુત્રી પર બળાત્કારની ધમકીથી આઘાત લાગ્યો હતો. આ પછી દિલ્હી મહિલા આયોગે દિલ્હી પોલીસને નોટિસ મોકલીને કાર્યવાહીની માંગ કરી હતી. તે જ સમયે, મુંબઈ પોલીસની સાયબર સેલ પણ તેની તરફથી તપાસ કરી રહી હતી, જેમાં પોલીસને એક આરોપીની ધરપકડના સ્વરૂપમાં સફળતા મળી છે.
મીડિયા રિપોર્ટસમાં મુંબઈ પોલીસને ટાંકવામાં આવ્યુ છે કે, મુંબઈ પોલીસના સાયબર સેલે પાકિસ્તાન સામે T20 વર્લ્ડ કપમાં હાર બાદ ભારતીય ક્રિકેટરની પુત્રીને ઓનલાઈન બળાત્કારની ધમકી આપવાના મામલે હૈદરાબાદના એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિની ઓળખ 23 વર્ષીય રામનાગેશ અલીબાથિની તરીકે થઈ છે અને તેને મુંબઈ લાવવામાં આવી રહ્યો છે.
ભારતીય ટીમને વર્લ્ડ કપની પહેલી જ મેચમાં પાકિસ્તાન સામે 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર ભારતીય ટીમને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારપછી ઘણા ભારતીય ક્રિકેટરોને દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો હતો.
ખાસ કરીને ઝડપી બોલર મોહમ્મદ શામીને તેના ધર્મના આધારે નિશાન બનાવવામાં આવ્યો હતો. આ પછી ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શામીનો બચાવ કર્યો હતો અને ધર્મના આધારે ભારતીય ક્રિકેટરને ટાર્ગેટ કરનારાઓ પર કટાક્ષ કર્યો હતો. ત્યારપછી બીજી જ મેચમાં ટીમને ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને ત્યારબાદ કોહલીની પુત્રીને લઈને સોશિયલ મીડિયા પર આવી ધમકીઓ આપવામાં આવી હતી.
Published On - 6:05 pm, Wed, 10 November 21