પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં (Aryan Khan Drug case) ધરપકડ બાદ શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને તેનો પરિવાર આ બાબતે ચુપ રહ્યો હતો. આર્યનની ઓક્ટોબર 2021માં NCB અધિકારીઓએ મુંબઈથી ગોવા જતા ક્રૂઝ પર દરોડા પાડ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. જેના કારણે તેને કેટલાક દિવસો જેલમાં પણ રહેવું પડ્યું હતું. 28 ઓક્ટોબરે તેને જામીન મળ્યા હતા. હાલમાં જ 24 વર્ષના આર્યન ખાનને આ બાબતે ક્લીનચીટ મળી છે. એનસીબીએ થોડા સમય પહેલા આ કેસ સાથે સંબંધિત ચાર્જશીટ દાખલ કરી દીધી છે. આ ચાર્જશીટમાં આર્યન ખાનનું નામ નથી એટલે કે આર્યનને ક્લીનચીટ મળી ગઈ છે.
આર્યન ખાને કસ્ટડીમાં જેટલા દિવસો પસાર કર્યા તે તેના માટે મુશ્કેલ હતા. આ દરમિયાન તેના પિતા શાહરૂખ ખાન પણ તેને મળવા ગયા હતા. આર્યનને એનસીબીએ ડ્રગ પેડલર પણ કહ્યો હતો. પરંતુ તેની પાસેથી કોઈ પણ નશીલા પદાર્થ મળી આવ્યા ન હતા. શાહરૂખ અને તેનો પરિવાર આ બાબતે હજુ પણ ચુપ છે. પરંતુ હવે NCBના ડેપ્યુટી ડાયરેક્ટર સંજય સિંહે આ વિશે વાત કરી છે. તેણે ખુલાસો કર્યો છે કે શાહરૂખ ખાન સાથે તેની સાથે શું વાત થઈ છે.
સંજય સિંહે આર્યનના ડ્રગ્સ કેસની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ એટલે કે SIT ની રચના કરી હતી. આ તપાસ દરમિયાન તે આર્યન ખાનની સાથે સાથે તેના પિતા શાહરૂખ ખાન સાથે પણ જોડાયેલો હતો. હવે ઈન્ડિયા ટુડે સાથેની વાતચીત દરમિયાન સંજય સિંહે જણાવ્યું છે કે શાહરૂખે આર્યનને મળ્યા બાદ શું વાત કરી હતી. આ સાથે જ તેણે જણાવ્યું કે વાત કરતી વખતે શાહરૂખની આંખોમાં આંસુ આવી ગયા હતા.
સંજય સિંહે ખુલાસો કર્યો કે તપાસ દરમિયાન તેને ખબર પડી કે આર્યનના પિતા શાહરૂખ ખાન તેને મળવા માંગે છે. જ્યારે તે અન્ય આરોપીઓના માતા-પિતાને મળી રહ્યા હતા ત્યારે તેણે પણ શાહરૂખને મળવા માટે હા પાડી હતી. જ્યારે શાહરૂખ અને સંજય મળ્યા ત્યારે અભિનેતાએ પુત્ર આર્યન ખાનના મેન્ટલ અને ઈમોશનલ હેલ્થ વિશે ચિંતા વ્યક્ત કરી. તેણે કહ્યું હતું કે આર્યન બરાબર સૂઈ શકતો નથી. આવી સ્થિતિમાં શાહરૂખ તેના બેડરૂમમાં ગયો અને આખી રાત તેનું ધ્યાન રાખ્યું.
સંજય સિંહના કહેવા મુજબ, શાહરૂખ ખાને કહ્યું હતું કે, કોઈ યોગ્ય પુરાવા મળ્યા વિના તેના પુત્રને બદનામ કરવામાં આવી રહ્યો છે. ભીની આંખો સાથે શાહરૂખે સંજયને કહ્યું, અમને મોટા ક્રિમિનલ અથવા મોનસ્ટર તરીકે બતાવવામાં આવી રહ્યા છે, જે સમાજને બરબાદ કરવા આવ્યા છે અને આ કારણે અમને રોજબરોજ કામ પર જવામાં મુશ્કેલી પડે છે.