સુરતમાં (Surat) હનીટ્રેપ ચલાવતી ગેંગ સક્રિય થઇ છે. સુરતમાં સતત હનીટ્રેપના (Honeytrap) કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. વરાછા વિસ્તારમાં એક મહિલાએ યુવકને પ્રેમ જાળમાં ફસાવ્યો અને બાદમાં 10 લાખ રૂપિયાની માગણી કરી હતી અને ન આપે તો તેને પોલીસ કેસ કરીને ફસાવવાની વાત કરી હતી. જો કે વરાછા પોલીસે (Varachha police) ફરિયાદના આધારે રિના હિરપરા અને ભાવેશ હિરપરાની ધરપકડ કરી છે.
સુરતમાં છેલ્લા ઘણા સમયથી યુવતીઓ લોકોને સોશિયલ મીડિયા મારફતે પ્રેમજાળમાં ફસાવી તેમને એકલતામાં મળવા બોલાવી બાદમાં તેમના અશ્લીલ ફોટો અથવા વિડીયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલીંગ કરતી હોય છે. યુવતીઓ ટાર્ગેટ કરેલા લોકોને ફ્લેટમાં બોલાવી જ્યારે ફરિયાદી યુવતી અથવા તો મહિલા પાસે જતાની સાથે જ ત્રણથી ચાર લોકો અચાનક આવી જાય અને ત્યારબાદ પોતે પોલીસની ઓળખ આપી અને હનીટ્રેપનો શિકાર કરી લાખો રૂપિયા પડાવતા હોય છે.
આવી જ એક ઘટનાની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. આ ઘટનામાં એક ફરિયાદી દ્વારા સોશિયલ મીડિયા મારફતે એક વ્યક્તિએ તેનો કોન્ટેક્ટ કર્યો હતો. રીના હિરપરા નામની યુવતીએ ફરિયાદીનો કોન્ટેક્ટ કરી તેને વાતોમાં ભોળવી ત્યારબાદ મળવા બોલાવ્યો હતો. એકલતાનો લાભ લઇ અંગત પળોના ફોટા અને વિડીયો ઉતારી લીધા હતા. ત્યારબાદ આ યુવકને અવારનવાર ફોટા વાયરલ કરવાની ધમકી આપી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાવવા માટેની પણ ધમકી આપી હતી.
યુવતીએ ફરિયાદી પાસે સૌ પ્રથમ 10 લાખ રૂપિયાની માગણી કરી હતી. જેથી ફરિયાદી દ્વારા ગભરાઈ જઈને રૂપિયા આપવા માટેની તૈયારી બતાવી હતી. છેલ્લે ફરિયાદીએ 2.5 લાખ રૂપિયા આપવા માટેની છેલ્લે વાત કરી હતી અને હિંમત કરીને આ ગેંગ સામે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ થતા સાથે જ વરાછા પોલીસે તાત્કાલિક આ બાબતને ગંભીરતાથી લઇને કાર્યવાહી હાથ ધરી હતી. વરાછા પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા ડી સ્ટાફના માણસો સાથે રાખીને યુવતીને રૂપિયા લેવા માટે બોલાવવામાં આવી અને રીના હિરપરા નામની યુવતીની ધરપકડ કરી લેવામાં આવી હતી. સાથે ભાવેશ હિરપરા નામના વ્યક્તિની ધરપકડ કરાઇ.
આરોપીઓની પૂછપરછ કરતા ખ્યાલ આવ્યો કે બંને આરોપી પતિ-પત્ની છે. બંને સાથે મળીને કેટલાક લોકોને ફસાવતા હતા અને તેમની પાસેથી રૂપિયા પડાવતા હતા. હાલ વરાછા પોલીસે બંનેની ધરપકડ કરી છે. સાથે જ આવી બીજી ગેંગના સભ્યોની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.