સુરતના (SURAT) કતારગામ દરવાજા વિસ્તારમાં ભુવાએ આધેડ મહિલાને વિધિ દ્વારા રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી મહિલા પાસેથી 6 લાખ રૂપિયા પડાવી લીધા હતા. ભુવો (BHUVO) રૂપિયા લઈને નાસી જતા મહિલાએ આત્મહત્યા (Suicide)કરી લીધી હતી.
ચોકબજાર પોલીસ (POLICE) સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, મુકેશ ગંગારામ રસિનિયા પત્ની જયશ્રી અને દીકરો ભાવેશ સાથે કતારગામ દરવાજા પાસે વિજયનગર-1માં શ્રી હરી એપાર્ટમેન્ટમાં રહે છે. આરોપી ખુશાલ ગુલાબ નિમજેબીમ પસારવાનું કામ કરે છે. તેની સાથે તે ભુવા તરીકે પણ કામ કરતો હતો. જયશ્રીબેન દશામાની પુજા કરતા હોય આરોપી ભુવાના સંપર્કમાં આવી હતી. ભુવો ખુશાલ જયશ્રીબેનને બહેન માનતો હતો.
ભુવાએ જયશ્રીબેનને લાલચ આપી હતી કે, તે વિધિ કરીને તેમના રૂપિયા ડબલ કરી આપશે. જયશ્રીબેન વાતોમાં આવી ગયા હતા. ભુવાએ 6 લાખ રૂપિયા માંગ્યા હતા. જયશ્રીબેન પાસે રૂપિયા ન હતા તો તેઓએ મુંબઈમાં રહેતી તેમની દીકરી પ્રિયંકા પાસે રૂપિયા માંગ્યા હતા. ફેબ્રુઆરી મહિનાના શરૂઆતમાં પ્રિયંકાએ માતા જયશ્રીબેનને 6 લાખ રૂપિયા આપ્યા હતા.
પછી ફરીથી જયશ્રીબેને દિકરીને ફોન કરીને કહ્યું હતું કે, ભુવા પર માતાજી પ્રસન્ન થયા છે પરંતુ માતાજી તેમને રસ્તો બતાવવાના નથી. જેથી રસ્તો બતાવવા માટે ખુશાલભાઈ તેમના ગુરૂજીને શનિવારે મોડી રાત્રે બધા સુઈ જશે પછી બોલાવશે.ત્યારે ગુરૂજી આવશે અને વિધિ કરીને રસ્તો બતાવશે. ભુવો 6 દિવસથી ઘરમાં વિધિ કરતો હતો.આ વાત જયશ્રીબેને 25 ફેબ્રુઆરીના રોજ ફોન કરીને દિકરીને જણાવી હતી. તેજ તારીખે રાત્રે ભુવો રૂપિયા લઈને નાસી ગયો હતો.
તેથી જયશ્રીબેન ટેન્શનમાં આવી જતા પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. પ્રિયંકાએ આરોપી ખુશાલભુવા વિરુદ્ધ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાની દુષ્પ્રેરણા અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી જેના આધારે ચોકબ્જાર પોલીસે ભુવા એવા ખુશાલ ની ધરપકડ કરી અને તપાસ શરૂ કરી છે.