ટી 20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ બાદ ઉત્તર પ્રદેશ પોલીસે પાકિસ્તાન ક્રિકેટ ટીમની જીતની ઉજવણી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી છે. આવા લોકો સામે કેસ નોંધ્યા બાદ રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમની જીતની ઉજવણી કરનારાઓ સામેના કેસમાં મોટાભાગના લોકોને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. ત્યારે, હવે યુપીના રામપુરમાં આવો જ રસપ્રદ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિએ તેની બેગમ અને તેના પરિવારના સભ્યો (સાસરીયાઓ) વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમનો આરોપ છે કે તેઓએ ભારતની ક્રિકેટમેચમાં થયેલી હારની મજાક ઉડાવી હતી અને તેને સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
હકીકતમાં પાકિસ્તાન સામેની ક્રિકેટ મેચ હાર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ વિરુદ્ધ નિવેદનો અને વિવાદાસ્પદ પ્રતિક્રિયાઓ સોશિયલ મીડિયામાં આવી રહી છે. ત્યારે રામપુર જિલ્લાના ગંજ કોતવાલી વિસ્તારમાં એક નવો મામલો સામે આવ્યો છે અને અહીં એક પરિવારે મેચ હાર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓની મજાક ઉડાવી અને વોટ્સએપ પર સ્ટેટસ મૂક્યું હતુ. પરંતુ આ પછી જમાઈરાજ ઉશ્કેરાઈ ગયો અને તેણે પત્ની અને અન્ય સાસરિયાઓ વિરુદ્ધ ગંજ કોતવાલીમાં કેસ દાખલ કર્યો.
પત્ની અને સાસરિયાઓ સાથે વિવાદ ચાલી રહ્યો છે
પ્રાપ્ત થઈ રહેલી માહિતી મુજબ, ટી 20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ભારતની હારની મજાક ઉડાવનાર સાસરિયાઓ પર કેસ કરનાર ઈશાન મિયાં અઝીમનગરના સિંહખેડા ગામનો રહેવાસી છે. તેના સાસરિયાઓ ગંજ કોતવાલી વિસ્તારના મોહલ્લા થાણા તીનમાં રહે છે અને લગ્ન પછી તરત જ તેની પત્ની સાથેના સંબંધોમાં તિરાડ પડી હતી. આ પછી પત્ની તેના પિતાના ઘરે આવી ગઈ હતી અને પતિ અને અન્ય સાસરીયા વિરુદ્ધ દહેજ ઉત્પીડનનો કેસ દાખલ કર્યો. બીજી તરફ ઈશાન મિયાંએ શુક્રવારે ગંજ કોતવાલીમાં ફરિયાદ આપતા આરોપ લગાવ્યો હતો કે 24 ઓક્ટોબરે ટી 20 વર્લ્ડકપની ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ હતી અને આ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમ હારી ગઈ હતી. બીજી તરફ ભારતની હાર પર તેના સાસરિયાઓએ વોટ્સએપ પર ભારતીય ખેલાડીઓની મજાક ઉડાવતા સ્ટેટસ મુક્યું હતું.
પોલીસ તપાસ કરી રહી છે
હાલ પોલીસે યુવકની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. ગંજ કોતવાલી પ્રભારી અનિલ કુમાર વર્માએ જણાવ્યું કે તપાસ બાદ ફરિયાદી યુવકની પત્ની રાબિયા શમ્સી અને તેના અન્ય સાસરિયાઓ વિરુદ્ધ જાહેર શાંતિ ભંગ કરવા બદલ અને આઈટી એક્ટની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ પત્રકારના સવાલ પર રવિન્દ્ર જાડેજાનો સીધો જવાબ ‘બેગ પેક કરીને ઘરે જઈશુ’ જુઓ વીડિયો