માત્ર 14 દિવસમાં ચુકાદો : સાંતેજ દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીને જીવનના છેલ્લા શ્વાસ સુધીની કેદની સજા
આરોપીની ધરપકડના માત્ર આઠ જ દિવસમાં પોલીસે કોર્ટમાં 500 પેજની ચાર્જશીટ રજૂ કરી હતી.આ ચાર્જશીટ ફાઇલ થયા બાદ ગાંધીનગર POCSO કોર્ટમાં સુનવણી શરૂ કરવામાં આવી હતી.કોર્ટે પણ આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ માનીને રોજેરોજ સુનાવણી હાથધરી હતી.
GANDHINAGAR :ગાંધીનગરના સાંતેજ દુષ્કર્મ કેસમાં POCSO કોર્ટે ચુકાદો સંભળાવી દીધો છે. આરોપી વિજય ઠાકોરને કોર્ટે જીવનના છેલ્લા શ્વાસ સુધીની એટલે કે આજીવન કેદની સજા ફટકારી છે, હવે આરોપીને ફાંસીની સજા થાય તે માટે હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવશે. સાંતેજ દુષ્કર્મ કેસમાં POCSO કોર્ટે આરોપી વિજય ઠાકોરને કલમ 363 હેઠળ 7 વર્ષની સજા અને દંડનું એલાન કર્યું, કલમ 366 હેઠળ 10 વર્ષની સજા અને 3 હજાર રૂપિયા દંડ, કલમ 302 હેઠળ આજીવન કેદની સજા, કલમ 376 એ (બી) જીવે ત્યાં સુધી કેદની સજા અને કલમ 449માં 10 વર્ષની સજા અને 3 હજારનો દંડ ફટકાર્યો છે.
મહત્વનું છે કે બાળકી પર દુષ્કર્મના કેસમાં પોલીસે આરોપી વિજય ઠાકોરની ધરપકડ કરી હતી.પૂછપરછ દરમિયાન આરોપીએ 8 જેટલા ગુનાની કબૂલાત કરી હતી.આરોપીએ 3 બાળકીઓ સાથે દુષ્કર્મ આચર્યું હોવાની કબૂલાત કરી હતી.ધરપકડના માત્ર આઠ જ દિવસમાં પોલીસે કોર્ટમાં 500 પેજની ચાર્જશીટ રજૂ કરી હતી.જેમાં 60 વધુ સાક્ષીઓના નિવેદનો, સીસીટીવી, કોલ રેકોર્ડ ડીટેઇલના મહત્વના રિપોર્ટનો સમાવેશ થતો હતો.
આ ચાર્જશીટ ફાઇલ થયા બાદ ગાંધીનગર POCSO કોર્ટમાં સુનવણી શરૂ કરવામાં આવી હતી.કોર્ટે પણ આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ માનીને રોજેરોજ સુનાવણી હાથધરી હતી.કાયદાના જાણકારોનું માનવું છે કે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર ગણીને કોર્ટ આરોપીને ફાંસીની સજા ફટકારવાનો આદેશ કરી શકે છે. આ કેસમાં હવે દુષ્કર્મીને ફાંસી માટે હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવશે.
આ પણ વાંચો : Surat : માવઠાને કારણે દક્ષિણ ગુજરાતના ડાંગર પકવતા ખેડૂતોને 30 ટકા સુધીનું નુકશાન