Jamnagar : જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામના ખેડૂતે (Farmers) રાતોરાત કરોડપતિ બનવાની લાલચમાં લાખો રૂપિયા ગુમાવ્યા છે. તાંત્રિક વિધિના નામે કરોડપતિ બનાવવાના સપના દેખાડીને રૂ.10 લાખ છેતરપિંડી કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી શરૂ કરી છે.
કહેવાય છે ને લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે ના મરે, આવા લાલચુ લોકોને શોધી કેટલા ઢોંગી લોકો તેમને સહેલાયથી છેતરી જતા હોય છે. જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામમાં એક ખેડૂતને કરોડપતિ બનાવવાના સપના દેખાડી તેની પાસેથી રૂ.10 લાખ એક ગઠિયાએ પડાવ્યા હોવાની ઘટના સામે આવી હતી. જીતેન્દ્ર વિઠ્ઠલ કથીરીયા નામના 48 વર્ષીય ખેડૂતે જોયું કરોડપતિ બનવાનુ સપનુ અને તાંત્રિક વિધિના નામે પાંચ શખ્સએ રૂ.10 લાખ પડાવી લીધા.
મળતી માહિતી અનુસાર પાંચ શખ્સ ઓગષ્ટ માસમાં ખેડૂતના સંપર્કમાં આવ્યા બાદ તેને તાંત્રિક વિધિના કેટલાક કરતબો બતાવીને તેને 2 કરોડ રૂપિયા અને સ્ટીલના હાંડામાં તાંત્રિક વિધિ કરીને તેમાં સોનુ હોવાનો વિશ્વાસ અપાવીને લાખો રૂપિયા મેળવી લીધા હતા. જીતેન્દ્ર કથીરીયાના પુત્ર સૌરવના મકાનના એક રૂમમાં તાંત્રિક વિધિ કરી. આ દરમિયાન પૂછ્યા વગર રૂમ ના ખોલવા જણાવ્યું હતું અને વાડીમાં ખાડો ખોદીને તેમાં સ્ટીલનો હાંડો કપડુ વીટીને મુકી દીધો હતો. જેમાં સોનુ હોવાનું જણાવ્યું હતું.
ત્યાર બાદ આ શખ્સોએ સૌરવ પાસેથી તાંત્રિક વિધીના રૂપિયાની માંગણી કરી હતી અને આંગડિયા મારફતે ટૂકડે ટૂકડે 10 લાખ રૂપિયા મેળવી દીધા હતા અને 10 દિવસમાં 2 કરોડ અને હાંડામાં સોનું મળી જશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો. બાદમાં પૈસા ના મળતા છેતરાયાનો અનુભવ થતા ખેડૂતે પોલીસની મદદ લીધી હતી અને શેઠવડાળાના પોલીસ મથકે પાંચ શખ્સ સામે ફરીયાદ નોંધાવી.
જીતેન્દ્ર કથીરીયાને 30 લાખનું દેવું થઈ જતાં પૈસાની વ્યવસ્થા ના થતા મિત્રને જાણ કરી હતી. આ મિત્ર થકી ખેડૂત તાંત્રિકના સંપર્કમાં આવ્યો હતો અને ત્યાર બાદ આ સમગ્ર કાવતરું ઘટવામાં આવ્યું હતું અને ખેડૂતને ફસાવી રૂ.10 લાખ પડાવી લીધા હતા. ત્યાર બાદ પોલીસે અનવરબાપુ, કેશુભાઈ અને ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધી હતી. જે પૈકી અનવરબાપુને પકડવામાં પોલીસને સફળતા મળી છે. તેની પાસેથી 1.70 લાખની રોકડ જપ્ત કરેલ છે. અન્ય ચાર આરોપીને શોધવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો