મહેસાણા જિલ્લાના નંદાસણના લક્ષ્મીપુરા ગામમાં ગોચર જમીન પર ગેરકાયદે કબ્જો કરવાના પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે. જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કેટલાક ઉદ્યોગપતિઓ ગોચરની 600 વીઘા જમીન પર રસ્તો બનાવી જમીન પચાવી પાડવા માગે છે. ગ્રામજનોનું માનીએ તો પંચાયતી સર્વે નંબર 142 વાળી ગોચરની જમીનને ખાનગી બનાવવાના ઉદ્દેશ્યથી આ કૃત્ય કરવામાં આવ્યું છે. કેટલાક અજાણ્યા શખ્સોએ વહેલી સવારે ગોચર જમીન પર ખોદકામ શરૂ કર્યું હતું અને જમીન પર ઉગેલા વૃક્ષો કાપ્યા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે.
આ અંગેની જાણ ગામના આગેવાનોને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. ગામના આગેવાનોનો આક્ષેપ છે કે જે લોકો ગોચરની જમીન પર કબ્જો કરી રહ્યા હતા તેમને અટકાવવાનો પ્રયાસ કરતા આ શખ્સોએ ધમકીઓ આપી હતી. જેથી મામલો બિચક્યો હતો.. ચોંકાવનારી વાત એ છે કે આ સમગ્ર મામલાથી લક્ષ્મીપુરા ગ્રામ પંચાયત પણ અજાણ છે. આ ઘટનાને ગંભીરતાથી લઈ ગામના આગેવાનોએ નંદાસણ પોલીસ, મામલતદાર અને કડી તાલુકા પંચાયતમાં રજૂઆત કરી હતી.