રાજ્યમાં વિદેશ જવાની લ્હાયમાં અનેક ગુજરાતીઓ ગેરકાયદે રીતે પણ વિદેશ જવા તૈયાર થઈ જતા હોય છે અને તેને કારણે બાદમાં પસ્તાવાનો વારો આવતો હોય છે. જો કે ગાંધીનગરમાં કંઈક જુદો જ બનાવ બન્યો છે. આ વખતે વિદેશ જનાર કોઈ વ્યક્તિ નહીં પણ ગેરકાયદે વિદેશ જનાર એજન્ટ જ ફસાયો છે.
જી હા ગાંધીનગરમાં ગેરકાયદે વિદેશ મોકલીને કમિશન કમાવાની લ્હાયમાં ગાંધીનગરના એજન્ટને અન્ય એજન્ટોએ જ ખંખેરી તેમની પાસેથી 1 કરોડ રૂપિયા પડાવી લીધા. ગાંધીનગરના કુડાસણમાં વિઝા કન્સલ્ટન્સી ચલાવતાં રમેશ ચૌધરી નામના એજન્ટના પેસેન્જરોને કબૂતરબાજીથી અમેરિકા મોકલવા માટે દિલ્લીના શખ્સોએ ગાંધીનગરની હોટલમાં રોકડા રૂપિયા દેખાડવા માટેની મિટિંગ કરી. પરંતુ દિલ્લીના ઠગોએ રમેશને પદાર્થ સુંઘાડી બેભાન કરી તેમની પાસે રહેલા 1 કરોડ રોકડા લઇને ફરાર થઇ ગયા.
આપને જણાવી દઈએ કે,ગેરકાયદે અમેરિકામાં પહોંચવાની લ્હાયમાં કેટલાંય પરિવારો વિખેરાઇ ચૂક્યા છે.ડિંગુચા પરિવારનો કેસ હોય કે તાજેતરમાં ટ્રમ્પ વોલ પરથી પટકાતાં યુવકના મોતનો કેસ હોય,,, મોતની મુસાફરી હોવા છતાં ગુજરાતીઓ કરોડો ખર્ચીને ગેરકાયદેસર રીતે અમેરિકા જતા ખચકાતા નથી. એજન્ટો દ્વારા ફરી એક વખત મુસાફરોને ગેરકાયદે રીતે અમેરિકા મોકલવાનો તખ્તો ઘડાયો. પરંતુ આ વખતે ખુદ એજન્ટ જ ભેરવાઇ ગયા.
એજન્ટો સાથેની છેતરપિંડીનો સમગ્ર ઘટનાક્રમ જોઇએ તો કુડાસણના રાધે આર્કેડ કોમ્પ્લેક્ષમાં ગુડ ઓવરસીસ નામે વીઝા કન્સલ્ટન્સી ચલાવતા રમેશ ચૌધરી વિઝાનું કામ કરતા એજન્ટ ગોવિંદ પટેલ સાથે સંપર્કમાં આવ્યા. જે બાદ ગોવિંદ પટેલે રમેશ ચૌધરીને તગડા નફાની લાલચ આપી એક કપલને ગેરકાયદે અમેરિકા મોકલવા રૂપિયાનું રોકાણ કરવા રાજી કર્યા. ગોવિંદે હાલ દિલ્લીમાં રહેતો અને મૂળ પંજાબ-હરિયાણાના જાસ બાજવા નામનો એજન્ટ આ કેસમાં લેન્ડિંગ પેમેન્ટની શરતે કામ કરવા તૈયાર હોવાનું જણાવ્યું. ગોવિંદે રમેશને કહ્યું કે આપણે ફક્ત રૂપિયાને વીડિયો બનાવીને જાસ બાજવાને બતાવવાનો છે. આથી રમેશ, ગોવિંદ અને દિવ્ય પંચાલ નામના એજન્ટ ભેગા થયા. દિવ્ય પણ તેમના અન્ય બે પેસેન્જરને મોકલવા તૈયાર થયો.
જે બાદ રમેશે 25 જાન્યુઆરીએ નક્કી થયા મુજબ રૂપિયાનો વીડિયો બનાવી ગોવિંદને મોકલી આપ્યો અને ત્યાર બાદ ટ્રાવેલ્સ મારફતે ત્રણેય એજન્ટો સહિત 6 મુસાફરો દિલ્લી પહોંચ્યા અને હોટલમાં જાસ બાજવાને રૂપિયાનો વીડિયો બતાવ્યો. પરંતુ જાસે રૂપિયાનો વીડિયો નહીં પણ રૂબરૂ રૂપિયા બતાવવાની વાત કરી. આથી રમેશ ચૌધરી દિલ્લીથી પરત ફર્યા અને અલગ અલગ મિત્રો પાસેથી પૈસા લઇ 1 કરોડ એકત્ર કર્યા. જે બાદ જાસ બાજવાના બે માણસો ગાંધીનગર આવ્યા. જ્યાં સરગાસણની એક હોટલમાં તેમની રહેવાની વ્યવસ્થા કરાઇ. પરંતુ બાજવાના માણસોએ હોટલમાં ભીડ હોવાનું જણાવી બીજે રહેવાનું કહેતા રમેશે ભાઇજીપુરા પાટીયા નજીકની હોટલમાં તેમના રોકાવાની વ્યવસ્થા કરી. રાત્રે રમેશે દિલ્લીના માણસો સામે હોટલના રૂમમાં રૂપિયા ગણી કબાટમાં મુક્યા અને જમીને બધા સુઇ ગયા. પરંતુ દિલ્લીથી આવેલા ઠગોએ રમેશ ચૌધરીને કોઇ પદાર્થ સુંઘાડી બેભાન કરી દીધા અને રૂપિયા લઇને નાસી છૂટ્યા. રમેશ ચૌધરીની ફરિયાદના આધારે ઇન્ફોસિટી પોલીસે પાંચ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published On - 12:23 pm, Thu, 2 February 23