ગાંધીનગરમાં દેવાંશની હત્યા : પોલીસે હત્યા કરનારા એક સગીર સહીત 4 આરોપીઓને ઝડપી પાડ્યા, જાણો શા માટે કરી હત્યા

|

Oct 13, 2021 | 6:33 PM

Murder in Gandhinagar : જયારે મોડી રાત્રે દેવાંશ ભાટીયાની હત્યા થઇ ત્યારે આજુબાજુમાં નજરે જોનારા સાક્ષી કોઈ ન હોવાથી આ કેસ ઉકેલવો પોલીસ માટે પડકારજનક હતો.

GANDHINAGAR : ગાંધીનગરમાં દેવાંશ ભાટીયાની હત્યાનો કેસ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે. 5 દિવસ પહેલા શિવાંશનો કેસ બન્યો હતો એ જ દિવસે સેક્ટર-27માં દેવાંશની હત્યા થઇ હતી. આ હત્યાકેસ અંગે ગાંધીનગર રેંજ આઈજી અભયસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદ યોજી હતી અને સમગ્ર વિગતો આપી હતી.

ગાંધીનગર રેંજ આઈજી અભયસિંહ ચુડાસમાએ કહ્યું કે જયારે મોડી રાત્રે દેવાંશ ભાટીયાની હત્યા થઇ ત્યારે આજુબાજુમાં નજરે જોનારા સાક્ષી કોઈ ન હોવાથી આ કેસ ઉકેલવો પોલીસ માટે પડકારજનક હતો. દેવાંશ સેક્ટર-27ની એક મોટી હોટેલમાં જોબ કરતો હતો. આ કેસ ઉકેલવા માટે પોલીસની ટીમોએ દેવાંશની તમામ મુવમેન્ટને ટ્રેસ કરી હતી.

દેવાંશ વડોદરાથી અપડાઉન કરતો હતો. પોલીસે એ તમામ મુવમેન્ટ ટ્રેસ કરી કે એ ગીતામંદિર અને ત્યારબાદ પથિકાશ્રમ કેવી રીતે પહોંચ્યો. પથિકાશ્રમથી તે હોટેલ તરફ ચાલતો નીકળ્યો હતો અને વચ્ચે એક ઓટોરીક્ષામાં પણ બેસ્યો હતો અને થોડે દુર જઈ ઉતરી ગયો હતો અને ફરી પાછો ચાલતા જવા લાગ્યો હતો.

આ દરમિયાન સેક્ટર-27ના બગીચા પાસે 4 લોકોએ તેને રોક્યો હતો, જેમાં એક નાની વયનો અને 3 પુખ્ત વયના યુવકો હતા. આ તમામ 4 યુવકોએ દેવાંશ પાસે પૈસાની માંગણી કરી હતી. દેવાંશે પૈસા આપવા આનાકાની કર્યા બાદ ઝાઝપી થઇ હતી. આ દરમિયાન 4 યુવકોએ દેવાંશની હત્યા કરી તેનું વોલેટ અને હેન્ડ્સફ્રી લઈને નાસી ગયા હતા.

પોલીસે આ ઘટનામાં CCTV ફૂટેજને આધારે સેક્ટર-13ના છાપરા પાસે રહેતા માનવ ઉમેશભાઈ પવાર, આશિષ મહેશભાઈ સોલંકી, ઘનશ્યામ ઉર્ફે કાળુ નારણભાઈ કાનાણી અને ચોથા નાની વયના આરોપી એક કુલ ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા છે.

આ પણ વાંચો : શિવ-પાર્વતીના લગ્ન : જામનગરમાં સાતમાં નોરતે પુરુષોએ ખાસ પોષકમાં ઈશ્વર વિવાહની ઉજવણી કરી, વર્ષો જૂની પરંપરા

આ પણ વાંચો : PHOTOS : CM ભુપેન્દ્ર પટેલે આદ્યાશકિત ધામ અંબાજીમાં અષ્ટમીએ માતાજીના પૂજન અર્ચન કર્યા

Next Video