મહારાષ્ટ્રના (Maharashtra) પૂણે (Pune) કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશનની પોલીસે મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના સાક્ષી કિરણ ગોસાવીને વર્ષ 2020માં નોંધાયેલા છેતરપિંડીના કેસમાં તેને કસ્ટડીમાં લીધો છે. એક અધિકારીએ ગુરુવારે આ માહિતી આપી હતી. ગોસાવીને 2018ના અન્ય એક છેતરપિંડીના કેસમાં મંગળવારે અદાલતે ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો.
પૂણેના ફરાસખાના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં કોર્ટે ગોસાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો. આરોપ છે કે ગોસાવીએ મલેશિયાના હોટલ ઉદ્યોગમાં નોકરી અપાવવાના નામે ચિન્મય દેશમુખ નામના વ્યક્તિ સાથે 3.09 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.
બીજી તરફ પૂણે કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં આરોપ છે કે ગોસાવીએ વર્ષ 2020માં મલેશિયામાં નોકરી અપાવવાના નામે ત્રણ લોકોને લગભગ 4 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. ગોસાવી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 420 અને 468 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મંગળવારે છાવણી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ગોસાવીની કસ્ટડી માટે કોર્ટમાં અરજી કરી હતી, જે સ્વીકારવામાં આવી હતી.
કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક અશોક કદમે ગુરુવારે જણાવ્યું હતું કે “અમે અમારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરના આધારે ગોસાવીની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેને 17 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.
2 ઓક્ટોબરે NCBએ મુંબઈના દરિયાકાંઠે ક્રુઝ શિપ પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં NCBએ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત ઘણા લોકોની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સાથે ગોસાવીની તસવીરો અને વીડિયો વાયરલ થયા હતા.
આ પણ વાંચો: Crime: ધોળા દિવસે વકીલની ચેમ્બરમાંથી યુવકની મળી લાશ, તપાસમાં લાગી દિલ્હી પોલીસ