બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન (Shahrukh Khan)ના બંગલા મન્નત (Mannat)ને ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીની મધ્યપ્રદેશના જબલપુરથી ધરપકડ કરી છે. આ વ્યક્તિનું નામ જીતેશ ઠાકુર છે. 6 જાન્યુઆરી 2022ના રોજ જીતેશે મહારાષ્ટ્ર પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને કહ્યું હતું કે, તે શાહરૂખના બંગલાને બોમ્બથી ઉડાવી દેશે. જેમાં તેણે શાહરૂખના બંગલા સહિત મુંબઈના વિવિધ સ્થળોએ આતંકવાદી હુમલા અને બોમ્બ વિસ્ફોટ (Bomb blast)કરવાની ધમકી આપી હતી. રઈસ સ્ટારની એક ઝલક મેળવવા તેના ઘરની બહાર ચાહકોની ભીડ જામે છે. પોલીસ આવી ધમકીઓને હળવાશથી ન લઈ શકે.
મુંબઈ પોલીસે કોલ ટ્રેસ કર્યો અને તે નંબર મધ્યપ્રદેશના જબલપુરનો હતો. CSP આલોક શર્માએ કહ્યું, “અમને મહારાષ્ટ્ર પોલીસ તરફથી ફોન આવ્યો છે કે જબલપુરથી કોલ આવ્યો છે જેમાં આતંકવાદી હુમલાનો દાવો કરવામાં આવ્યો છે. તેઓએ વ્યક્તિની ધરપકડ કરવામાં અમારી મદદ માંગી. અમે તેની ધરપકડ કરી છે અને ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
જબલપુરના અધિક પોલીસ અધિક્ષક ગોપાલ ખંડેલે સમાચાર એજન્સીને જણાવ્યું કે, મહારાષ્ટ્ર પોલીસે એક મોબાઈલ નંબર શેર કર્યો હતો, જેના આધારે જીતેશ ઠાકુરની ધરપકડ કરવામાં આવી છે. ખંડેલે જણાવ્યું હતું કે, આરોપી દારૂનો વ્યસની છે અને તેણે ભૂતકાળમાં પણ નકલી કોલ કર્યા હતા અને પોલીસ એસઓએસ સર્વિસ ડાયલ 100ના કર્મચારીઓ સાથે ઝઘડો કર્યો હતો.
કોલ કર્યા પછી, ઘણી જગ્યાએ શોધખોળ કરવામાં આવી હતી પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી, જોકે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ખંડેલે વધુમાં જણાવ્યું હતું કે, જીતેશ ઠાકુર સામે ફોજદારી ધાકધમકી આપવા અને જાહેર સેવાને ખોટી માહિતી આપવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે અને શનિવારે આ આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
બીજી તરફ વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મો શરૂ કરવા માટે તૈયાર છે. તે દીપિકા પાદુકોણ સાથે ‘પઠાણ’માં જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન ખાન કેમિયો કરતો જોવા મળશે.
Published On - 9:20 am, Tue, 11 January 22