ISKCON Car Accident : અમદાવાદના ઈસ્કોન બ્રિજ (ISCON Bridge) પર ગઈકાલે મોડી રાત્રે ગોજારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ડમ્પર અને થાર ગાડી વચ્ચે સર્જાયેલા અકસ્માતને જોવા ઉભેલા લોકો પર જેગુઆર ગાડી ફરી વળતાં 9 લોકોના મોત થયા છે. આ અકસ્માત સર્જનાર તથ્ય પટેલ બિલ્ડર પ્રજ્ઞેશ પટેલનો પુત્ર છે. ત્યારે આ ઘટનાએ ફરી વિસ્મય શાહ હીટ એન્ડ રન કેસની યાદ તાજી કરાવી છે.
વિસ્મય શાહ હીટ એન્ડ રન કેસની વાત કરીએ તો 24 ફેબ્રુઆરી 2013ના રોજ BMW લઈને જઈ રહેલા વિસ્મયે જજીસ બંગલો રોડ પર બે બાઇક સવારને અડફેટે લીધા હતા. જેમાં શિવમ અને રાહુલ નામના બે બાઇકસવારના મોત થયા હતા. ત્યાર બાદ વિસ્મય શાહ ફરાર થઇ ગયો હતો. વિસ્મય વિરુદ્ધ મોટર વ્હિકલ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. જે બાજ 27 ફેબ્રુઆરી 2013ના રોજ વિસ્મય શાહ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. ત્યાર બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વિસ્મયને 5 વર્ષની સજા ફટકારી હતી. આ ઉપરાંત મૃતકોના માતા-પિતાને 5-5 લાખ વળતર આપવા આદેશ કર્યો હતો.
ત્યારે ઈસ્કોન બ્રિજ પર જેગુઆરની અડફેટે 9 લોકોના જીવ લેનાર તથ્ય પટેલ કેટલા સમયમાં જેલના સળિયા પાછળ ધકેલાશે? તેમજ તથ્ય પટેલને કેટલી સજા થશે? આ કેસ પાછળ કેટલા ધમપછાડા થાય છે અને બચાવ માટે કેટલી બાનાબાજી થાય છે, તે તો આવનાર સમય જ બતાવશે. કારણ કે અકસ્માત સર્જનાર તથ્ય પટેલનો પિતા પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.
આ બધાની વચ્ચે લોકોના મનમાં અનેક સવાલો ઉભા થયા છે. શહેરના રસ્તાઓ પર બેફામ સ્પીડે કાર ચલાવતા લોકોને જાણે હવે પોલીસનો પણ ડર નથી રહ્યો. શહેરમાં કારની ઝડપ પર મર્યાદાના નિયમનો પણ પાલન નથી થઈ રહ્યું. તો એસ.જી હાઇવે અકસ્માત ઝોન છતાં કાર્યવાહીમાં ઢીલાશ જોવા મળી રહી છે. હવે આ કેસમાં પોલીસ કેટલી ઝડપી કાર્યવાહી કરી આ 9 લોકોના પરિવારોને ન્યાય અપાવે છે તે હવે જોવાનું રહેશે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 11:45 am, Thu, 20 July 23