અમદાવાદ શહેરમાં ફરી એકવાર રક્ષક જ બન્યો છે ભક્ષક. કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા પોલીસ કર્મીની ફરી એકવાર દાદાગીરીનો ભોગ સ્થાનિકો બન્યા છે. મારી સામે ફરિયાદ કેમ કરી તેમ કહીને પોલીસકર્મી દ્વારા વૃદ્ધને ઢોર માર મારીને બંને પગમાં ફ્રેક્ચર કરી દેવામાં આવ્યા છે.
કૃષ્ણનગર મહાસુખનગરમાં રહેતા 63 વર્ષીય કનકભાઈ શાહએ અગાઉ પોલીસ કર્મચારી ભાવેશ રાવલ અને તેના મિત્ર ભાર્ગવ પટેલ વિરુદ્ધ સોસાયટીની ઓફીસમાં પ્રવેશ કરીને ધમકી આપી ગાળા ગાળી કરી હતી જેને લઈને બંને સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
જો કે ફરિયાદ પછી પણ પોલીસકર્મી અને તેના મિત્ર સામે કોઈ ખાસ એક્શન ન લેવામાં આવતા પોલીસકર્મી ભાવેશ રાવલની હિંમત વધી ગઈ હતી.અને શુક્રવારે રાત્રે જ્યારે ફરિયાદી તેમના ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે તેમને રસ્તામાં જ રોકીને દંડા વડે ઢોર માર માર્યો હતો જેને કારણે ફરિયાદી કનક શાહ હાલ ICU માં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
ભાવેશ રાવલ ગાંધીનગરમાં CID ક્રાઇમમાં ફરજ બજાવે છે. છેલ્લા 10 વર્ષથી આ સોસાયટીમાં રહે છે. ભાવેશ રાવલ અને તેનો મિત્ર ભાર્ગવ પટેલની સોસાયટીમાં ખુલ્લેઆમ દારૂ પીને દાદાગીરી તેમજ મહિલાઓની છેડતી કરતા હોવાના આક્ષેપો સોસાયટીના કમિટી મેમ્બર્સ તેમજ મહિલાઓ કરી રહી છે. જો કે પોલીસકર્મીએ અગાઉ પણ આ પ્રકારની હરકત અંગે પોલીસ ફરિયાદ નોંધવાઇ છે.
પરંતુ પોલીસકર્મી હોવાના કારણે તેની સામે કડક કાર્યવાહી ન થતી હોવાનું સ્થાનિકો માની રહ્યા છે. ભાવેશ રાવલ દ્વારા સોસાયટીની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ કરાવ્યું છે જેને કોઈ તોડાવે નહિ તે માટે અવારનવાર ભાવેશ દ્વારા સોસાયટીના કમિટી મેમ્બર સાથે ઝઘડો કરતો હોવાનું સોસાયટીના મેમ્બર્સ માની રહ્યા છે જો કે ગત રાત્રે બનેલી ઘટનાને લઈને પોલીસકર્મી ભાવેશ સામે વધુ એક ગુનો કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે
સોસાયટીમાં પોલીસ કર્મચારીની દાદાગીરીથી રહીશો પરેશાન છે. જે રક્ષકના ભરોસે અમદાવાદના શહેરીજનો સલામત હોવાની આશા સૌ કોઈ રાખી રહ્યા છે. તેવા પોલીસકર્મી જ જો શહેરીજનો સાથે આ પ્રકારની વર્તન કરશે તો શહેરીજનો કેવી રીતે સલામત રહેશે તે મોટો સવાલ છે.
આ પણ વાંચો – Pakistanમાં પત્રકારો પણ નથી સુરક્ષિત! સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે #PressFreedom
આ પણ વાંચો – આ ચોર માત્ર મજા માટે કરતો હતો બાઈક ચોરી! પેટ્રોલ પુરૂ થતા જ ચોરેલી બાઈક છોડી દેતો, જાણો સમગ્ર કિસ્સો