Ahmedabad: કૃષ્ણનગર વિસ્તારમાં એક સિનિયર સિટીઝનને એક્ટિવા પરથી ઉતારીને ઢોર માર માર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં CID ક્રાઈમ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભાવેશ રાવલે પોતાની જ સોસાયટીમાં ધાક અને દહેશત ફેલાવવા માટે થઈને વૃદ્ધ વ્યક્તિને માર માર્યો હતો. કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી મહાસુખનગરમાં રહેતા 63 વર્ષીય કનકભાઈ શાહે અગાઉ આરોપી પોલીસકર્મી તેમજ તેના મિત્ર ભાર્ગવ વિરૂદ્ધ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
જેની અદાવત રાખીને આ ભાવેશ રાવલે કનકભાઈ શાહ તથા સોસાયટીમાં અન્ય વ્યક્તિઓને ધાક ધમકી આપી હતી અને કનકભાઈ શાહને એક્ટિવા પરથી ઉતારીને માર માર્યો હતો. જે બાબતે કૃષ્ણનગર પોલીસે ભાવેશ રાવલ નામમાં પોલીસકર્મીની ગાંધીનગર ખાતેથી ધરપકડ કરી છે. આ પોલીસકર્મી વિરુદ્ધ આ જ પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ એક ગુનો નોંધાઈ ચુક્યો છે.
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની ગિરફતમાં આવેલો શખ્સ ખુદ પોતે રાજ્યની નામચીન એજન્સી ગણાતી એવી CID ક્રાઈમમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. આ પોલીસ કર્મચારી દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ કરીને લોકોને ધમકાવતો ફરતો હતો, અને તેની જ સોસાયટીમાં રહેતા 63 વર્ષીય વૃદ્ધને તાજેતરમાં જ માર માર્યો હોવાનો કિસ્સો ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો જેના ભાગરૂપે CID ક્રાઈમના એડમીન વિભાગના જેસીપી દ્વારા ભાવેશ રાવલને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો છે. ત્યારે હાલ પોલીસે સસ્પેન્ડેડ પોલીસકર્મીની ધરપકડ કરી ફરાર બે આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરી છે
CID ક્રાઈમમાં ફરજ બજાવતા આ પોલીસકર્મીને દબંગાઈથી તેના વિસ્તારમાં રહેતા લોકો ત્રસથ થઈ ગયા હતા, આ સાથે જ આસપાસના રહીશોનો આક્ષેપ છે કે, તેને પોતાના રહેણાક વિસ્તારની નજીક ગેરકાયદેસર બાંધકામ પણ કર્યું છે. જેને લઈને પણ સ્થાનિક લોકોએ અવારનવાર સંલગ્ન કચેરીમાં ફરિયાદ પણ કરી છે. પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે આ કેસમા પોલીસ ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.