Ahmedabad : લોન આપવા અને ભરવા માટે ધમકાવી અમેરિકન નાગરીકો સાથે છેતરપિંડી કરતું કોલ સેન્ટર ઝડપાયું છે. આરોપી અમેરિકન નાગરીકોને સ્કોર ડાઉન કરી નવી લોન નહી મળે તથા નવી લોન લેશો તો 700 પોઈન્ટ વધારવાના બહાને રૂપિયા પડાવતા હતા. છેલ્લા 4 મહિનાથી ચાલતા આ કોલસેન્ટરના અન્ય આરોપી અંગે સાયબર ક્રાઈમે તપાસ હાથ ધરી છે.
અમદાવાદ સાયબર ક્રાઈમની કસ્ટડીમાં રહેલા આ આરોપીના નામ શુભમ ઘટાડ તેનો ભાઈ મયુર ઘટાડ અને યશ ઉપાધ્યાય છે. આરોપીઓ વેજલપુર પાસે આવેલા SBI ક્વાટર્સના મકાનમાં રહીને કોલસેન્ટર ચલાવતા હતા. જે અંગે માહીતી મળતા સાયબર ક્રાઈમે રેડ કરી અને તમામ આરોપીની ધરપકડ કરી છે. જોકે આ ગુનામાં અન્ય ફરાર 2 આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આરોપી પાસેથી સાયબર ક્રાઈમે 6 મોબાઈલ, 1 લેપટોપ, સહિત 35 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આરોપીની મોડસ ઓપરેન્ડી પર નજર કરીએ તો, આરોપી અમેરીકન નાગરિકોને કેશનેટ યુએસએ નામની કંપનીના નામે ફોન કરી લોન આપવા તથા અગાઉની બાકી લોન બાબતે રૂપિયા એનકેન પ્રકારે બનાવટી દસ્તાવેજો મોકલી ડરાવી ધમકાવી રૂપિયા પડાવતા હતા. જે અંગે સાયબર ક્રાઈમે તપાસ હાથ ધરી છે. સાથે જ આરોપીના બેંક અકાઉન્ટના આધારે કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે. તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
મહત્વનુ છે કે છેલ્લા 4 મહિનાથી ચાલતા આ કોલસેન્ટર મામલે ગુનો નોંધાયો. આરોપી પકડાયા. પરંતુ આરોપી લીડ ક્યાંથી મેળવતા. રૂપિયા ટ્રાન્સફર કરનાર પ્રોસેસર કોણ છે તે તમામ સવાલોના જવાબ મેળવવા માટે પોલીસે આરોપીના રિમાન્ડ મેળવ્યા છે. ત્યારે પોલીસ તપાસમાં શું ખુલાસો થાય છે તે જોવું મહત્વનું છે.
બોગસ કોલ સેન્ટરોનો છાશવારે થાય છે પર્દાફાશ
નોંધનીય છેકે ગુજરાતના મેગા સીટીમાં વિદેશી નાગરીકોને લોનના બહાને છેતરપિંડી કરતા બોગસ કોલ સેન્ટરનો રાફડો ફાટયો છે. ત્યારે છાશવારે આવા બોગસ કોલ સેન્ટરો ઝડપાય છે. પરંતુ, કોલ સેન્ટરનો ગોરખધંધો બંધ થવાનું નામ નથી લઇ રહ્યો. ત્યારે આવા કોલ સેન્ટરો કયારે બંધ થશે અને વિદેશી નાગરીકો સાથે છેતરપિંડીનો દૌર કયારે સમાપ્ત થશે તે જોવું રહ્યું.
આ પણ વાંચો : Ahmedabad : શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું, વિશ્વાસ પ્રોજેક્ટ અન્વયે 3 હજારથી વધારે CCTV કેમેરા લગાવાશે