Ahmedabad: ગુજરાતનો વ્યાજખોરીનો સૌથી મોટો કેસ નારોલ (Narol) પોલીસ મથકમાં નોંધાયો હતો. ટ્રાન્સપોર્ટના ધંધા સાથે જોડાયેલા વેપારી કમલ ડોગરા વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરવા જતા હતા. ત્યારે વેપારી કમલ ડોગરાના મિત્રએ પોલીસને જાણ કરી હતી અને આ સમગ્ર ઘટના બહાર આવી હતી. ત્યાર બાદ વ્યાજખોરો સામે નારોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
આ બાબતે નારોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં 8 આરોપી સામે તપાસ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તાત્કાલિક મુખ્ય આરોપી તેમજ ફરિયાદીની મોંઘી ગાડીઓ પણ કબ્જે કરી લેવામાં આવી હતી. જોકે એકાએક સમગ્ર કેસની તપાસ EOWને સોંપી દેવામાં આવી છે.
વેપારી કમલ ડોગરાને ધંધાને બેઠો કરવા ધર્મેશ પટેલ, લાલભાઈ, રઘુવીરસિંહ, ચિરાગ શાહ, પરીક્ષિત દવે, વંદન પટેલ પાસેથી 7.71 કરોડથી વધુની રકમ 9 ટકા વ્યાજે લીધા હતા. જે બાદ વેપારીએ બેંકના માધ્યમથી રૂ. 7.71 કરોડની સામે 11 કરોડ જેટલી રકમ બેન્કના માધ્યમથી પરત કરી દીધી હતી. તેમ છતાં વ્યાજખોરો વધુ રૂપિયા માંગતા હોવાથી વેપારીએ 2.5 કરોડ રોકડા આપ્યા હતા. તેમ છતાં વ્યાજખોરો સતત રૂપિયાની માંગણી કરતા હતા અને વેપારીને ધમકાવતા હતા.
પોલીસ ફરિયાદ બાદ SITએ આ કેસની તપાસ હાથ ધરી હતી. જેમાં 11ના બદલે 24 આરોપીઓ આ ઘટનામાં સામેલ હોવાનું સામે આવ્યા છે. જોકે હવે અચાનક સ્થાનિક પોલીસ પાસેથી આ કેસની તપાસ EOW એટલે કે આર્થિક ગુના નિવારણ શાખાને સોંપી દેવામાં આવી છે.
અત્યાર સુધીની SITની તપાસમાં આરોપીની કારમાંથી 24 કોથળા ભરેલા દસ્તાવેજો કબજે કરાયા છે. આ ઉપરાંત ક્રેડિટ કાર્ડ, 113 ચેકબુક, 61 ATM,38 પાસબુક પણ કબ્જે કરી છે. પોલીસે અત્યાર સુધી 8 વ્યાજખોરોની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય આરોપી ધર્મેશ અને તેનો પુત્ર પણ પકડાઈ ચૂક્યા છે. ત્યારે બાકીના ફરાર આરોપીઓને શોધવા પોલીસે તપાસ હાથ ધરી છે. તેમજ જે અન્ય ભોગ બનનારા સામે આવ્યા તેમની પણ તપાસ શરૂ કરી છે. જોકે હવે આ સમગ્ર ઘટનાની તપાસ EOW કરશે.
ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો