Delhi Corona Cases (Symbolic Image)
છેલ્લા ત્રણ દિવસથી રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કેસમાં (Corona In Delhi) ઉછાળો જોવા મળી રહ્યો છે. ફરી એકવાર કોરોનાના કેસમાં ઝડપથી વધારો થતો જોવા મળી રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 141 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના એક દર્દીનું પણ મોત થયું છે. હાલમાં દિલ્હીમાં કોરોનાના 608 સક્રિય કેસ છે. કોરોનાનો પોઝીટીવીટી દર 1.29% છે. આ તરફ ગુજરાતમાં પણ કોરોનામાં ઉછાળો જોવા મળ્યો છે. જેમાં 10 એપ્રિલના રોજ કોરોનાના નવા 22 કેસ નોંધાયા હતા. જ્યારે સાત દર્દીઓ સાજા થયા છે. જેમાં રાજયમાં સૌથી વધારે 10 કેસ ગાંધીનગરમાં નોંધાયા છે.
રાજયમાં અત્યાર સુધી કુલ 12,12,976 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોનાના રિકવરી દર 99. 10 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 129 છે. જેમાં એક દર્દી વેન્ટિલેટર પર છે. તેમજ રાજયમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10942 એ જીવ ગુમાવ્યો છે.
દેશમાં XE વેરિઅન્ટના ત્રણ કેસ મળી આવ્યા
દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ XEના ત્રણ કેસ મળી આવ્યા છે. પહેલો કેસ મુંબઈમાં જોવા મળ્યો હતો. આફ્રિકાની એક 50 વર્ષીય મહિલા મુંબઈમાં XE થી સંક્રમિત મળી આવી હતી. આ પછી ગુજરાતમાં 13 માર્ચે એક વ્યક્તિ કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ તેની સ્થિતિ સારી હતી. જ્યારે નમૂનાના પરિણામો આવ્યા, ત્યારે તે વ્યક્તિ XE વેરિઅન્ટથી સંક્રમિત હોવાનું બહાર આવ્યું. ત્રીજો કેસ મુંબઈના સાંતાક્રુઝમાં જોવા મળ્યો હતો.
અહીં એક 67 વર્ષીય વ્યક્તિ XE વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યા હતા. વ્યક્તિને કોરોના રસીના બંને ડોઝ મળી ગયા છે. તેમનામાં કોરોનાના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. હાલ આ દર્દીના સંપર્કમાં આવેલા લોકોનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. દર્દીના ડાયરેકટ સંપર્કમાં આવેલ 2 લોકોના કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
ડોક્ટરોનું કહેવું છે કે XE વેરિયન્ટ ઘાતકી નથી. ઓમીક્રોન જેવો માઈલ્ડ વેરિયન્ટ છે તેથી લોકોએ ગભરાવવાની જરૂર નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાનું કહેવું છે કે XE નામના કોરોના વાયરસનું એક નવું મ્યુટન્ટ છે, જે Omicron ના BA.2 સબ-વેરિયન્ટ કરતા લગભગ દસ ટકા ઓછું છે.