દેશમાં કોરોનાના નવા વેરીઅન્ટ ઓમિક્રોનના (Omicron) વધતા સંક્રમણ વચ્ચે 15-18 વર્ષના બાળકોનું કોવિડ રસીકરણ (covid vaccination) સોમવારથી એટલે કે (03/01/2022)આજથી શરૂ થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં, કોવિન પોર્ટલ (Co-WIN Portal) પર 15-18 વર્ષની વય જૂથના કુલ 6,79,064 કિશોરોએ રસીકરણ (Vaccination) માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 15-18 વર્ષના બાળકોને રસી આપવા માટે કોવિન પોર્ટલ/એપ પર રજીસ્ટ્રેશન 1 જાન્યુઆરીથી શરૂ થયું છે.
દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસોને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બરે 15-18 વર્ષના બાળકો માટે રસીકરણ અભિયાનની જાહેરાત કરી હતી. આ પછી રસીકરણની તૈયારીઓ ઝડપી બની ગઈ. આ એક રાષ્ટ્રીય રસીકરણ અભિયાન છે, જે અંતર્ગત દેશભરના બાળકોને કોવિડની રસી આપવામાં આવશે. કોવિન એપ ઉપરાંત કોવિડ રસીકરણ કેન્દ્ર પર જઈને પણ રસી લઈ શકાય છે. આ દરમિયાન આધાર કાર્ડ સાથે રાખવાનું રહેશે. આ વય મર્યાદાના બાળકોને ભારત બાયોટેકની રસી કોવેક્સિન આપવામાં આવી રહી છે.
કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે
રસી લીધા પછી પણ બાળકોએ કોવિડ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવું પડશે. જે રીતે કેટલાક રાજ્યોમાં ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે તે મુજબ બેદરકારીને કોઈ અવકાશ નથી. બાળકોએ સમજવું પડશે કે રસી લેવાથી સંક્રમણનું જોખમ ઓછું જરૂર થઈ ગયું છે. એવું નથી કે રસી લીધા પછી તેમને ક્યારેય કોરોના થશે જ નહીં.
રસીકરણ પછી થતી સામાન્ય સમસ્યાઓ
વરિષ્ઠ બાળરોગ ચિકિત્સક ડૉ. પ્રદીપ કુમારનું કહેવું છે કે રસી લીધા પછી બાળકોને તાવ, રસી લાગેલી છે તે હાથમાં દુખાવો અથવા સોજો આવવો સામાન્ય બાબત છે. મોટા ભાગના કિસ્સાઓમાં, તાવ એક દિવસમાં ઉતરી જાય છે. આ વિશે ચિંતા કરવાની જરૂર નથી. રસીકરણ પછી આ બધા લક્ષણો સામાન્ય છે. આવું ઘણા લોકોને થાય છે. જો કે, બાળકમાં એલર્જીના ગંભીર લક્ષણો દેખાઈ રહ્યા છે અને સતત ઉંચો તાવ રહે છે અથવા ચક્કર આવી રહ્યા હોય, તો આ સ્થિતિમાં ડૉક્ટરનો સંપર્ક કરો. જ્યારે પણ બાળકને રસી આપવામાં આવે ત્યારે ઓછામાં ઓછો અડધો કલાક રસીકરણ કેન્દ્રમાં જ રહો.
આ પણ વાંચો : પેગાસસનો શિકાર બનેલા લોકોને સુપ્રિમ કોર્ટની ટેકનીકલ સમિતીએ કહ્યું, 7 જાન્યુઆરી સુધીમાં અમારો સંપર્ક કરો