ચીન-અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં વધી રહેલા જીવલેણ કોરોના મહામારીના કેસને લઈને કેન્દ્ર સરકાર સતર્ક બની છે. કોરોનાને ફેલાતો રોકવા માટે કેન્દ્ર સરકારે નવી એડવાઈઝરી જાહેર કરી છે. કોરોના પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠક બાદ નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પૉલે કહ્યું છે કે ગભરાવાની કોઈ જરૂર નથી. ભીડભાડવાળા વિસ્તારોમાં તમે જાવ ત્યારે તમે ઘર કે ઓફિસની અંદર કે બહાર હોવ તો પણ માસ્ક પહેરો. આ ઉપરાંત, જેમણે હજુ સુધી બૂસ્ટર ડોઝ નથી મેળવ્યો, તેઓએ શક્ય તેટલી વહેલી તકે બૂસ્ટર ડોઝ લઈ લેવો જોઈએ, જેથી કરીને કોરોનાને ફેલાતો અટકાવી શકાય.
ડૉ. વીકે પૉલે કહ્યું છે કે જો તમે ભીડવાળી જગ્યાએ, ઘરની અંદર કે બહાર હોવ, તો તમારે માસ્કનો ઉપયોગ કરવો જરૂરી છે. કોમોર્બિડિટીઝ ધરાવતા લોકો માટે તેમજ જેઓ વૃદ્ધ છે તેમના માટે આ વધુ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી માત્ર 27 થી 28 ટકા લોકોએ જ બૂસ્ટર ડોઝ લીધો છે. આપણે બૂસ્ટર ડોઝ મેળવનારાઓની સંખ્યા વધારવી પડશે. અમે અન્ય લોકોને, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને બૂસ્ટર ડોઝ મેળવી લેવા માટે અપીલ કરીએ છીએ. બૂસ્ટર ડોઝ ફરજિયાત છે અને બધા માટે સૂચવવામાં આવે છે.
સરકારે કહ્યું કે હવે મોનિટરિંગ વધારવામાં આવશે. જો કે, તેમણે કહ્યું કે ક્રિસમસ, નવા વર્ષ અને તહેવારો પર કોઈ પ્રતિબંધ કે નિયંત્રણ લાદવામાં આવ્યા નથી. સરકાર હવે દર સપ્તાહે કોરોના મુદ્દે બેઠક યોજવામાં આવશે અને કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ તે મુજબ નવી એડવાઈઝરી જાહેર કરવામાં આવશે.
Published On - 3:07 pm, Wed, 21 December 22