
કોઈપણ કારણસર નોકરી ગુમાવવી પડે ત્યારે આર્થિક કટોકટીનો સામનો કરવો પડે છે, પરંતુ આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર તરફથી કર્મચારીઓને મોટી મદદ પૂરી પાડવામાં આવી રહી છે. કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) દ્વારા ચલાવવામાં આવતી ‘અટલ વીમિત વ્યક્તિ કલ્યાણ યોજના’ ની મુદત વધારીને હવે 30 જૂન 2027 સુધી કરી દેવામાં આવી છે. આ યોજના હેઠળ, લાયક વીમાધારક કર્મચારીઓને નોકરી છૂટી જવાના કિસ્સામાં આર્થિક સહાય મળે છે. સૌથી સારી વાત એ છે કે આ મદદ મેળવવા માટે કર્મચારીએ પોતાની જૂની કંપની કે માલિક પાસે જવાની પણ જરૂર નથી પડતી, તેઓ સીધા જ ESIC ની બ્રાન્ચમાં જઈને આ પ્રક્રિયા સરળતાથી પૂરી કરી શકે છે. વાસ્તવમાં આ યોજના 30 જૂન 2026 ના રોજ સમાપ્ત થઈ રહી હતી, પરંતુ સરકારે તેને વધુ એક વર્ષ માટે લંબાવી દીધી છે.
આ યોજનાની મુદત વધારવાનો નિર્ણય ESIC ની 198મી બેઠકમાં લેવામાં આવ્યો હતો, જેની અધ્યક્ષતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કરી હતી. આ મંજૂરી બાદ હવે આ યોજના 1 જુલાઈ 2026 થી 30 જૂન 2027 સુધી અમલમાં રહેશે. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે નોકરી ગયા પછી કર્મચારીને નવો રોજગાર ન મળે ત્યાં સુધી તેનો દૈનિક ખર્ચ સરળતાથી ચાલતો રહે.
ઘણા લોકો આ સંસ્થાને પ્રોવિડન્ટ ફંડ (EPFO) જેવી જ માને છે, પરંતુ તે સંપૂર્ણપણે અલગ છે. ESIC નું મુખ્ય કામ કર્મચારીઓને હેલ્થકેર (તબીબી સારવાર) અને સામાજિક સુરક્ષા આપવાનું છે. ESI એક્ટ હેઠળ આવરી લેવાયેલા કર્મચારીઓને મેડિકલ કેર, બીમારી, મેટરનિટી (માતૃત્વ લાભ), વિકલાંગતા અને બેરોજગારી ભથ્થું આપવામાં આવે છે. આ બેરોજગારી ભથ્થાના ભાગરૂપે જ અટલ વીમિત વ્યક્તિ કલ્યાણ યોજના હેઠળ નોકરી ખોવા પર પૈસા ચૂકવાય છે.