સરકારી નોકરી (Govt Jobs) માટે યુવાઓમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે. કારણ કે સરકારી નોકરી માત્ર સુરક્ષા જ નહીં પરંતુ સારા પગારની (Salary) સાથે અન્ય ઘણી સુવિધાઓ પણ આપે છે. તેથી જ સરકારી નોકરીની ભરતી બહાર પડતા જ લાખો ઉમેદવારો અરજી કરે છે. આજે આપણે એવી સરકારી નોકરીઓ વિશે જાણીશું જે સારા પગારની સાથે અન્ય સુવિધાઓ પણ આપે છે. કોઈ પણ સરકારી નોકરી મેળવવી સરળ નથી.
જો તમે ખૂબ જ સારી રીતે મહેનત કરીને એક વખત સરકારી નોકરી મેળવી લો છો તો બાકીનું જીવન સરળતાથી જીવી શકાય છે. હાલમાં યુવાનોનું સ્વપ્ન એવી નોકરી મેળવવાનું છે કે જેમાં તેમને વધારે પગારની સાથે સન્માન અને સુવિધાઓ પણ મળે જેથી તેઓ સરળતાથી તેમના ખર્ચાઓને મેનેજ કરી શકે.
સારા પગારની સાથે સુવિધાઓ આપતી સરકારી નોકરીમાં બેંક જોબ પ્રથમ ક્રમે છે. તેમાં પણ જો ભારતીય રિઝર્વ બેંકમાં નોકરી મળે તો માત્ર વધારે પગાર જ મળતો નથી, પરંતુ તમને હેલ્થ, ટ્રાવેલ, એજ્યુકેશન, પેટ્રોલ વગેરે માટે ભથ્થાની સાથે અન્ય ઘણી સુવિધાઓ મળે છે. RBIમાં સારી પોસ્ટ પર પસંદગી થાય તો ઉમેદવારોને 70 હજારથી 1 લાખ રૂપિયા સુધીનો પગાર મળે છે, જેમાં ભવિષ્યમાં વધારો પણ થાય છે.
ભારતીય સેનાના ત્રણ ભાગ છે, જેમાં નૌકાદળ, વાયુસેના અને ભારતીય સેના છે. ડિફેન્સ સર્વિસિસમાં લેફ્ટનન્ટ પદની નોકરી માટે, UPSC હેઠળ NDA, CDS, AFCAT વગેરે પરીક્ષાઓ લેવામાં આવે છે. જેમાં પ્રિલિમ, મેન્સ, GD, ફિઝિકલ ટેસ્ટ, PET ટેસ્ટ અને ઈન્ટરવ્યુ બાદ પસંદગી કરવામાં આવે છે. લેફ્ટનન્ટનો શરૂઆતમાં 68000 રૂપિયા પગાર આપવામાં આવે છે. ત્યારબાદ અનુભવ સાથે તે 1 લાખ રૂપિયા સુધી પણ થાય છે. આ સિવાય અન્ય ઘણી સુવિધાઓ આપવામાં આવે છે.
આ પણ વાંચો : Govt Jobs: ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસમાં સરકારી નોકરી મેળવવાની તક, પગાર 1 લાખથી વધારે, આ રીતે કરો ઓનલાઈન અરજી
ISRO અને DRDO ની નોકરીમાં ઉમેદવારોને પગારની સાથે ઘણા જુદા-જુદા ભથ્થા પણ આપવામાં આવે છે. ઉમેદવારોને સુરક્ષાની સાથે ઉંચો પગાર પણ મળે છે. આ ઉપરાંત સમયાંતરે કર્મચારીઓને બોનસ પણ આપવામાં આવે છે. આ નોકરીમાં શરૂઆતમાં 50 થી 60 હજાર રૂપિયા પગાર મળે છે, જે બાદમાં 1.5 થી 2 લાખ રૂપિયા સુધી થઈ શકે છે.