
કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ, પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગેના પ્રશ્નોના જવાબમાં જણાવ્યું હતું કે, હોર્મુઝ કટોકટી દરમિયાન ઘણા દેશોમાં ઇંધણના ભાવમાં મોટો વધારો થયો હતો, પરંતુ ભારતે તે બોજ સામાન્ય ગ્રાહકો પર નાખ્યો ન હતો.
પુરીએ જણાવ્યું હતું કે ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા યુદ્ધના સમયગાળા દરમિયાન, વિકસિત દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 20 ટકાથી વધુનો વધારો થયો હતો. દરમિયાન, પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશ જેવા પડોશી દેશોમાં સરેરાશ 35 ટકા સુધી ભાવ વધારો જોવા મળ્યો હતો. તેનાથી વિપરીત, ભારતમાં ભાવમાં માત્ર 5 ટકાનો વધારો થયો હતો.
#WATCH | Delhi | Union Minister for Petroleum and Natural Gas Hardeep Singh Puri explains the dynamics behind fuel pricing and whether the prices will go down further. pic.twitter.com/NjgtRjkTgA
— ANI (@ANI) July 2, 2026
હરદિપસિંહ પુરીએ એમ પણ કહ્યું કે, લોકો હવે પૂછી રહ્યા છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ ક્યારે ઘટશે, કારણ કે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ સામાન્ય થઈ ગઈ છે અને ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા છે. તેમણે સમજાવ્યું કે ભારતમાં ભાવ અન્ય દેશોમાં જેટલા વધ્યા નથી. તેથી, હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટા ઘટાડાની અપેક્ષા રાખવી વાજબી નથી.
તેમણે એ વાત સ્વીકારી કે પેટ્રોલ અને ડીઝલ સસ્તા થવા જોઈએ કારણ કે ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ $128 થી ઘટીને $70 ની આસપાસ થઈ ગયા છે. જોકે, તેમણે ધ્યાન દોર્યું કે ભાવ બાબતે આવી સરખામણી સંપૂર્ણ ચિત્ર રજૂ કરતી નથી.
હરદીપ સિંહ પુરીએ સ્પષ્ટતા કરી કે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાની અસર ભારતીય બજારમાં તાત્કાલિક દેખાતી નથી. ક્રુડની ખરીદી, પરિવહન, શુદ્ધિકરણ અને વિતરણ સહિતની સમગ્ર પ્રક્રિયામાં ઘણો સમય લાગે છે. પરિણામે, નીચા વૈશ્વિક ભાવનો લાભ ગ્રાહકો સુધી પહોંચવામાં થોડો સમય લાગી શકે છે.
તેમણે જણાવ્યું હતું કે જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ આગામી બે થી ત્રણ મહિના સુધી સ્થિર અને નીચા રહે છે, તો ભાવમાં રાહતની શક્યતા પર વિચાર કરી શકાય છે. જોકે, આ તબક્કે કંઈપણ ચોક્કસ કહેવું વહેલું ગણાશે, અને ચર્ચા ફક્ત શક્યતાઓ પર આધારિત છે.