
આવતા વર્ષે જાન્યુઆરીથી ટીવીના ભાવમાં 3-4 ટકાનો વધારો થઈ શકે છે. આ પાછળનું મુખ્ય કારણ મેમરી ચિપ્સની અછત અને રૂપિયાનો ઘટાડો (Devaluation) છે, જે તાજેતરમાં પહેલી વાર 90 રૂપિયાના આંકને પાર કરી ગયું છે.
નબળા પડતા રૂપિયાએ ભારતીય ટીવી ઇંડસ્ટ્રીને ભારે ફટકો માર્યો છે, કારણ કે LED ટીવીમાં લોકલ વેલ્યૂ એડિશનનો હિસ્સો ફક્ત 30 ટકા છે. આના મોટાભાગના મુખ્ય ઘટકો, જેમ કે ઓપન સેલ, સેમિકન્ડક્ટર ચિપ્સ અને મધરબોર્ડ આયાત કરવામાં આવે છે.
વધુમાં, વૈશ્વિક મેમરી ચિપની અછત પણ એક ગંભીર મુદ્દો બની ગઈ છે. હાઇ-બેન્ડવિડ્થ મેમરી (HBM) ની વધતી માંગ, જે મુખ્યત્વે AI સર્વર્સ માટે વપરાય છે, તેના કારણે DRAM અને ફ્લેશ જેવી તમામ પ્રકારની મેમરીના ભાવમાં વધારો થયો છે. ચિપ મેકર્સ હવે વધુ નફાકારક AI ચિપ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, જેના કારણે જૂના ડિવાઇસ, જેમ કે ટીવી માટેની સપ્લાયમાં ઘટાડો થઈ રહ્યો છે.
હાયર એપ્લાયન્સિસ ઇન્ડિયાના પ્રમુખ એનએસ સતીશે જણાવ્યું હતું કે, મેમરી ચિપ્સની અછત અને રૂપિયાના મૂલ્યમાં ઘટાડો થવાને કારણે એલઇડી ટીવીના ભાવમાં 3 ટકા સુધીનો વધારો થઈ શકે છે. કેટલાક ટીવી મેનુફેક્ચર્સે તેમના ડીલરોને ભાવ વધારા અંગે પહેલાથી જ જાણ કરી દીધી છે.
સુપર પ્લાસ્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ, જે થોમ્સન, કોડાક અને બ્લોપનક જેવા વૈશ્વિક બ્રાન્ડ્સના લાયસન્સધારી છે, તેમણે જણાવ્યું કે “પાછલા ત્રણ મહિનામાં મેમરી ચિપ્સની કિંમતો 500 ટકા સુધી વધી ગઈ છે.”
કંપનીના સીઈઓ અવનીત સિંહ મારવાહે જણાવ્યું હતું કે, જાન્યુઆરીથી ટીવીના ભાવમાં 7-10 ટકાનો વધારો થઈ શકે છે, જેનું મુખ્ય કારણ મેમરી ચિપ્સની અછત અને રૂપિયાનો ઘટાડો છે. તેમણે ચેતવણી આપી હતી કે, જો આગામી બે ક્વાર્ટરમાં મેમરી ચિપના ભાવ ઊંચા રહેશે, તો ટીવીના ભાવમાં વધુ વધારો થઈ શકે છે.
નિષ્ણાતોના મતે, આગામી ભાવવધારો સ્માર્ટ ટીવીના વેચાણમાં GST ઘટાડાના લાભને ઘટાડી શકે છે. સરકારે 32 ઇંચ અને તેનાથી મોટા ટીવી પર GST 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરેલ છે, જેનાથી કિંમતોમાં આશરે ₹4,500 નો ઘટાડો થયો છે. જો કે, મેમરી ચિપના વધતા ભાવ અને નબળો રૂપિયો આ લાભને નોંધપાત્ર રીતે સરભર કરી શકે છે.
કન્ટ્રીપોઈન્ટ રિસર્ચના તાજેતરના અહેવાલ મુજબ, વર્ષ 2025 ના બીજા ક્વાર્ટરમાં ભારતમાં સ્માર્ટ ટીવી શિપમેન્ટમાં 4 ટકાનો ઘટાડો થયો હતો. આ ઘટાડો મુખ્યત્વે નાના સ્ક્રીન સેગમેન્ટમાં સંતૃપ્તિ, નવી માંગ પરિબળોનો અભાવ અને નબળા ગ્રાહક ખર્ચને કારણે હતો.
વર્ષ 2024 માં ભારતનું ટીવી બજાર $10-12 બિલિયનનું હોવાનો અંદાજ હતો અને સ્માર્ટ ટીવીની વધતી માંગ, વધતી જતી Disposable Income, મોટી સ્ક્રીન અને OTT ને કારણે તેમાં મજબૂત ગ્રોથ થવાની અપેક્ષા છે.