
છેલ્લા 10 વર્ષમાં સ્મોલ-કેપ ફંડ્સે રોકાણકારોને શાનદાર વળતર આપ્યું છે. ઘણી સ્કીમ્સ દ્વારા નિયમિત એસઆઈપી (SIP) રોકાણને લાખો રૂપિયાની સંપત્તિમાં ફેરવી દેવામાં આવ્યું છે. જો કોઈ રોકાણકારે 10 વર્ષ પહેલાં દર મહિને માત્ર 10,000 રૂપિયાની SIP શરૂ કરી હોત, તો આજે તેનું રોકાણ 37 લાખ રૂપિયાથી લઈને 43 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું હોત. ખાસ વાત એ છે કે, આ ફંડ્સે માત્ર વળતર જ નથી આપ્યું પરંતુ લાંબાગાળે સતત કમ્પાઉન્ડિંગની તાકાત પણ બતાવી છે.
લાંબાગાળાના પ્રદર્શનની વાત કરીએ તો, ‘ક્વોન્ટ સ્મોલ કેપ ફંડ’એ સૌથી મજબૂત વળતર આપ્યું છે. આ ફંડે 10 વર્ષના સમયગાળામાં અંદાજે 20 ટકા વાર્ષિક SIP વળતર આપ્યું છે. આ જ કારણે 10,000 રૂપિયાની માસિક SIP સમય જતાં વધીને 37 લાખ રૂપિયાથી વધુની વેલ્યુ સુધી પહોંચી ગઈ છે.
ફંડ એવા સેક્ટર અને કંપનીઓ પર દાવ લગાવે છે કે, જ્યાં ઝડપી વૃદ્ધિની શક્યતા દેખાય છે. ફંડના પોર્ટફોલિયોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, RBL બેંક, અદાણી પાવર, HFCL અને સન ટીવી નેટવર્ક જેવી કંપનીઓ મુખ્ય હોલ્ડિંગ્સમાં જોડાયેલ છે.
‘નિપ્પોન ઇન્ડિયા સ્મોલ કેપ ફંડ’ પણ લાંબા સમયથી સ્મોલ-કેપ કેટેગરીના સૌથી ચર્ચિત ફંડ્સમાં છે. આ ફંડે 10 વર્ષમાં 22 ટકાથી વધુ વાર્ષિક SIP વળતર આપ્યું છે. નિયમિત રોકાણ કરનારા રોકાણકારો માટે આ સ્કીમ લાંબાગાળે મજબૂત ‘વેલ્થ ક્રિએટર’ સાબિત થઈ છે.
જો કોઈ રોકાણકાર 10 વર્ષ માટે 10,000 રૂપિયાની SIP કરે, તો મેચ્યોરિટી પર તેની ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ 43 લાખ રૂપિયા સુધી પહોંચી શકે. આ ફંડની સૌથી મોટી વિશેષતા તેનો ડાયવર્સિફાઇડ પોર્ટફોલિયો અને મજબૂત સ્ટોક સિલેક્શન માનવામાં આવે છે. તેના પોર્ટફોલિયોમાં MCX, HDFC બેંક, કરુર વૈશ્ય બેંક, અપાર ઇન્ડસ્ટ્રીઝ અને TD પાવર સિસ્ટમ્સ જેવી કંપનીઓ જોડાયેલ છે.
‘એક્સિસ સ્મોલ કેપ ફંડ’એ પણ લાંબાગાળે રોકાણકારોને શાનદાર વળતર આપ્યું છે. આ ફંડે 10 વર્ષની SIP પર 20 ટકા સુધીનું વાર્ષિક વળતર આપ્યું છે. ટૂંકમાં, નિયમિત રોકાણ કરનારાઓના નાણાં સમય જતાં અનેકગણા વધ્યા છે.
જો 10 વર્ષ સુધી 10,000 રૂપિયાનું નિયમિત રોકાણ કરવામાં આવે, તો વળતરના ટકાના આધારે અંદાજે 37.61 લાખ રૂપિયાનું ફંડ તૈયાર થઈ જાય. આના મુખ્ય રોકાણોમાં CCL પ્રોડક્ટ્સ, ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ, JB કેમિકલ્સ, MCX અને સિટી યુનિયન બેંક જેવી કંપનીઓ જોડાયેલ છે.