ભારતીય શેરબજાર(Share Market)માં IPO માર્કેટે વર્ષ 2021માં સારું પ્રદર્શન કર્યું હતું. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ IPO Market મજબૂત રહેવાની ધારણા હતી પરંતુ રશિયા -યુક્રેન યુદ્ધને કારણે વર્ષનો પ્રથમ ક્વાર્ટર કંઈ ખાસ રહ્યો ન હતો. IPO માર્કેટ અંગે નોમુરાએ કહ્યું છે કે આ વર્ષના બીજા ભાગથી ભારતના પ્રાઇમરી માર્કેટમાં પણ ઉત્સાહ વધતો જોવા મળશે. સેકન્ડરી માર્કેટની ઝડપી વૃદ્ધિ આના સંકેતો દેખાઈ રહયા છે.નોમુરાના અમિત થાવાણીએ કહ્યું હતું કે ભારતમાં સેકન્ડરી માર્કેટમાં ફરી એકવાર હલચલ તેજ થઈ ગઈ છે. QIP પણ ગતિ બતાવી રહ્યા છે તેથી એવી ધારણા છે કે આ વર્ષના ઉત્તરાર્ધથી IPO માર્કેટમાં ઉત્સાહ પાછો ફરતો જોવા મળશે.
એક મીડિયા રિપોર્ટ મુજબ યુક્રેન પર રશિયાના આક્રમણ અને વ્યાજદરમાં વધારાને કારણે વૈશ્વિક સ્તરે IPO માર્કેટને અસર થઈ છે. માર્કેટમાં વોલેટિલિટીની અસર સેન્ટિમેન્ટ પર પડી છે. આ વર્ષે અત્યાર સુધીમાં ભારતમાં કંપનીઓએ IPO દ્વારા માર્કેટમાંથી આશરે 1.1 અબજ ડોલર એકત્ર કર્યા છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં એટલે કે 2021 માં, IPO દ્વારા ભારતીય બજારમાં 2.6 અબજ ડોલર એકત્ર કરવામાં આવ્યા હતા.
અમિત થાવાણીએ વધુમાં જણાવ્યું હતું કે ભારતીય મૂડી બજારના બીજા ભાગમાં લાઈફ ઈન્સ્યુરન્સ સિવાય ઘણી ટેક્નોલોજી કંપનીઓ તેમના IPO લાવવાની તૈયારી કરી રહી છે. આગામી 6 થી 12 મહિનામાં ફંડ એકત્ર કરવાની પ્રવૃત્તિ ખૂબ જ મજબૂત રહેશે. મોટાભાગની કંપનીઓ વિદેશી લિસ્ટિંગને બદલે સ્થાનિક બજારમાં લિસ્ટિંગ કરવાનું પસંદ કરશે.અમિત થવાણીએ આ વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે ખાનગી ઇક્વિટી ફંડ ભારતમાં મર્જર અને એક્વિઝિશન પ્રક્રિયાને ટેકો આપતા જોવા મળશે. આ સિવાય મોટા વ્યાપારી જૂથો દ્વારા તેમના સ્થાનિક કારોબારને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાથી બજારને ટેકો મળશે.
તેમણે કહ્યું કે આ મહિને ભારતની સૌથી વધુ મૂલ્ય ધરાવતી HDFC બેંકે દેશની સૌથી મોટી મોર્ટગેજ ધિરાણકર્તા હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશનનો કબજો લીધો છે. આ ડીલ લગભગ 60 અબજ ડોલરની છે. આ મર્જર દેશની કેટલીક સૌથી મોટી નાણાકીય સંસ્થાઓને આગામી વર્ષો માટે તેમની વ્યાપાર વ્યૂહરચના શું હોવી જોઈએ તે વિશે વિચારવા માટે પ્રેરિત કરી શકે છે. થવાણી માને છે કે આપણે આગળ જતાં નાણાકીય ક્ષેત્રોમાં આવા ઘણા વધુ એકીકરણ થતા જોઈ શકીએ છીએ.
Published On - 6:59 am, Wed, 13 April 22