Share Market : નબળા વૈશ્વિક સંકેત વચ્ચે ભારતીય શેરબજાર(Stock Market)માં આજે શરૂઆતી કારોબાર લાલ નિશાન નીચે જોવા મળી રહ્યો છે. આજે સેન્સેક્સ 57,197.15 ના છેલ્લા બંધ સ્તર સામે 56,757.64 ઉપર ખુલ્યો હતો. કારોબાર દરમ્યાન ઇન્ડેક્સએ 56,760.66 અંકનું ઉપલું જયારે 56,412.14 નું નીચલું સ્તર નોંધાવ્યું હતું. નિફટીની વાત કરીએતો ઇન્ડેક્સ શુક્રવારે 17,171.95 ની સપાટીએ બંધ થયો હતો જે આજે 17,009.05 ઉપર ખુલ્યો હતો. આજના પ્રારંભિક કારોબારમાં નિફટી 17,013.90 ની ઉપલી જયારે 16,928.60 ની નીચલી સપાટીએ જોવા મળ્યો હતો. ભારતીય શેરબજારોની શરૂઆત લાલ નિશાનથી થઈ હતી. આજે સોમવારના ટ્રેડિંગ સેશનના શરૂઆતના દિવસે સેન્સેક્સ 710.77 પોઈન્ટ્સ અથવા 1.24 ટકાના ઘટાડા સાથે 56486.38 ના સ્તર પર આવી ગયો હતો. બીજી તરફ નિફ્ટી 50 ઈન્ડેક્સ 226.20 પોઈન્ટ એટલે કે 1.32 ટકાના ઘટાડા સાથે 17000ની સપાટીથી નીચે ખૂલ્યો હતો. આજના ટ્રેડિંગ સેશન દરમિયાન શેરબજારમાં 737 શેરની ખરીદી જોવા મળી હતી, જ્યારે 1553 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય 127 શેરમાં કોઈ ફેરફાર થયો નથી.
આજે ભારતીય બજારમાં ટ્રેડિંગ સેશન માટે નબળાઈના સંકેત મળી રહ્યા છે. વૈશ્વિક બજારોમાંથી નબળા સંકેતો મળ્યા છે.આજે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના બજારો બંધ રહેશે. બીજી તરફ ઓક્ટોબર 2020 પછી શુક્રવાર ડાઉ જોન્સમાં સૌથી ખરાબ દિવસ હતો. ડાઉ જોન્સ લગભગ 1000 પોઈન્ટ ઘટીને દિવસની નીચી સપાટીએ બંધ રહ્યો હતો. બીજી તરફ નાસ્ડેકમાં પણ 2.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય ઘણી કંપનીઓના ત્રિમાસિક પરિણામો નબળા હતા અને વધતા દરની ચિંતાને કારણે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકી બજારોમાં તમામ સેક્ટરમાં વેચવાલી જોવા મળી હતી. આ સિવાય યુરોપિયન બજારોમાં 1.5 થી 2.5 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ એશિયન માર્કેટ વિશે વાત કરીએ તો અહીં પણ જોરદાર વેચવાલી જોવા મળી રહી છે. SGX નિફ્ટી લગભગ 200 પોઈન્ટ ડાઉન છે અને આ ઈન્ડેક્સ લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યો છે.
22 એપ્રિલના ટ્રેડિંગ સેશન દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શેરબજારમાં રૂ. 2461.71 કરોડ અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 1603.35 કરોડનું રોકાણ કર્યું હતું.