શેરબજારને રવિવારે મોટો ઝટકો લાગ્યો છે. આ ફટકો એટલો મોટો છે કે તેની ભરપાઈ ભાગ્યે જ થઈ શકે છે. દેશના સ્વતંત્રતા દિવસના એક દિવસ અગાઉ દેશના દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા(Rakesh Jhunjhunwala)નું અવસાન થયું. રાકેશ ઝુનઝુનવાલા બજાર માટે એવા પરિબળોમાંના એક હતા જે બજારની દિશા બદલવાની ક્ષમતા ધરાવતા હતા. રોકાણકારોનો એક મોટો વર્ગ સંકેતો માટે રાકેશ ઝુનઝુનવાલા ઉપર નજર રાખતો હતો. રાકેશ જે સ્ટૉકમાં રોકાણ કરતા હતા અથવા તેમના રોકાણમાં વધારો કરતા હતા તે શેરમાં તેમની લોકો ખરીદી વધારતા હતા. આવી સ્થિતિમાં રાકેશ ઝુનઝુનવાલાની વિદાયથી બજારના સેન્ટિમેન્ટ પર શું અસર થશે તેવો સવાલ ઉઠી રહ્યો છે.
રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયો(Rakesh Jhunjhunwala Portfolio)માં જૂન ક્વાર્ટરના અંત સુધી 45થી વધુ કંપનીઓ હતી. તેઓ 30 થી વધુ શેરોમાં એક ટકાથી વધુ હોલ્ડિંગ ધરાવે છે, જેમાં સ્ટાર હેલ્થ, ટાઇટન, રેલીસ ઇન્ડિયા, એસ્કોર્ટ્સ, કેનેરા બેંક, ઇન્ડિયન હોટેલ્સ કંપની, એગ્રો ટેક ફૂડ્સ, નઝારા ટેક, ટાટા મોટર્સ, ઓરિએન્ટ સિમેન્ટ, વા. ટેક વાબાગ, એપ્ટેક, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ, ડીબી રિયલ્ટીનો સમાવેશ થાય છે. આમાંના મોટાભાગના શેરો ઘણી બ્રોકિંગ કંપનીઓ દ્વારા આવરી લેવામાં આવ્યા છે અને તેમાં રોકાણની સલાહ પણ આપી છે.
ચોઈસ ઈક્વિટીના રિસર્ચ એનાલિસ્ટ આસિફ ઈકબાલના જણાવ્યા અનુસાર એ વાત સાચી છે કે રાકેશ ઝુનઝુનવાલા દેશના ટોચના રોકાણકારોમાંના એક હતા અને બજારના તમામ હિતધારકોને રાકેશના મૃત્યુથી આઘાત લાગ્યો હશે. જો કે સમગ્ર બજારના સામાન્ય કારોબાર પર તેની બહુ અસર નહીં થાય. વાસ્તવમાં ભારતીય બજારનો આધાર ઘણો મજબૂત છે અને કંપનીઓને તેમના પોતાના ફંડામેન્ટલ્સના આધારે બિઝનેસ જોવા મળશે.
જોકે, આસિફે કહ્યું કે રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ કંપનીઓ જે દબાણ હેઠળ છે એટલે કે જેના ફંડામેન્ટલ્સ નબળા છે અને જેમાં રાકેશ નોંધપાત્ર હિસ્સો ધરાવતા હતા. મંગળવારના ટ્રેડિંગમાં જોરદાર ઘટાડો જોવા મળી શકે છે.
રાકેશ ઝુનઝુનવાલા લાંબા ગાળાનું રોકાણ કરતા હતા અને કંપનીઓમાં રોકાણ સાથે તેને વૃદ્ધિની તક આપતા હતા. જેના કારણે કંપની અને તેમના રોકાણ બંનેમાં વધારો થયો હતો. જોકે, રાકેશ ઝુનઝુનવાલાના મૃત્યુ બાદ આ કંપનીઓ માટે નવા રોકાણ અંગે અનિશ્ચિતતા સર્જાઈ શકે છે. બીજી તરફ જો કંપનીઓની નાણાકીય સ્થિતિ નબળી રહેશે તો અનિશ્ચિતતા વધુ વધશે.
આ કારણોસર ઘણા શેરોમાં તીવ્ર ઘટાડો થઈ શકે છે. આસિફના મતે નબળી આર્થિક સ્થિતિ ધરાવતી કંપનીઓ જેટલી વધુ રાકેશ ઝુનઝુનવાલા પર નિર્ભર હતી તેટલો ઘટાડો શક્ય છે. જોકે, રાકેશના પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ મજબૂત કંપનીઓના સ્વાસ્થ્ય પર કોઈ અસર થશે નહીં અને શેરોમાં વધુ ખરીદી ચાલુ રહેશે.