રુચિ સોયા(Ruchi Soya) ઈન્ડસ્ટ્રીઝના શેરમાં બુધવારે મોટો ઘટાડો નોંધાયો હતો. NSE પર રૂચી સોયાનો શેર(Ruchi Soya Share Price) 120.15 પોઈન્ટ અથવા 13.73 ટકા ઘટીને બંધ થયો હતો. આ શેર શરૂઆતના સોદામાં લગભગ 19 ટકાના ઘટાડા સુધી પટકાયો હતો. જોકે બાદમાં તેમાં થોડો સુધારો થયો હતો. રૂચી સોયા ઇન્ડસ્ટ્રીઝના રૂ. 4,300 કરોડના FPOની ફાળવણીની જાહેરાત બાદ સેબી(SEBI)એ કેટલાક મુદ્દાઓ પર કડક વલણ અપનાવ્યું હતું ત્યારથી રૂચી સોયાના શેરમાં ઘટાડો નોંધાયો હતો.સેબીએ પતંજલિ ગ્રૂપ ફર્મ રુચિ સોયાના બેન્કર્સને FPO દરમિયાન શેરના વેચાણ અંગેના SMS અંગે ચેતવણી આપતા રોકાણકારોને તેમની બિડ પાછી ખેંચી લેવાનો વિકલ્પ આપવા જણાવ્યું હતું. બુધવારે BSE પર કંપનીનો શેર રૂ. 706 પર ખૂલ્યો હતો જે દિવસની સૌથી નીચી સપાટી હતી. તે 815 રૂપિયાના દિવસના સર્વોચ્ચ સ્તરે પણ પહોંચી ગયો હતો. છેલ્લા 5 ટ્રેડિંગ સેશનમાં રૂચી સોયાનો સ્ટોક 21.50 ટકા અથવા 205 પોઈન્ટ ઘટી ગયો છે.
એક-બે દિવસ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે કંપનીના બોર્ડે FPO પછી ફરીથી શેર વેચીને ફંડ એકત્ર કરવાનો નિર્ણય લીધો છે. 5 એપ્રિલે રૂચી સોયાના બોર્ડે 6.61 કરોડ શેર વેચીને રૂ. 4,300 કરોડ એકત્ર કરવાની મંજૂરી આપી છે. “ઇશ્યુની ફાળવણી પછી ચૂકવણી કરેલ શેર મૂડી 59,16,82,014 થી વધીને 72,39,89,706 થઇ છે,” રુચિ સોયા દ્વારા જારી કરાયેલા એક પ્રકાશનમાં જણાવાયું છે. રૂચી સોયાનો એફપીઓ ગયા સપ્તાહે જ બંધ થઈ ગયો હતો. આ એફપીઓની ફાળવણી ફાઇનલ થતાંની સાથે જ કંપનીએ શેર વેચીને ફરીથી ભંડોળ એકત્ર કરવાનો નિર્ણય લીધો છે.
રૂચી સોયાનો FPO 24 માર્ચે ખોલવામાં આવ્યો હતો. આ એફપીઓ ખોલ્યા બાદ વિવાદાસ્પદ બન્યો હતો. FPO બંધ થયાના થોડા કલાકો બાદ સેબીએ કંપની પર કાર્યવાહી કરી હતી. આ અંતર્ગત નાના રોકાણકારોને આ ઈશ્યુમાંથી બહાર નીકળવાની તક આપવામાં આવી હતી. સેબીએ જણાવ્યું હતું કે રૂચી સોયાના એફપીઓમાં રોકાણ કરનારા રિટેલ રોકાણકારો 28 થી 30 માર્ચ સુધીના ત્રણ દિવસમાં બહાર નીકળી શકે છે.
એક વાયરલ મેસેજે આ FPO નો ખેલ બગડ્યો હતો. પતંજલિના યુઝર્સને મોકલવામાં આવેલા આ મેસેજમાં લખવામાં આવ્યું હતું કે, “પતંજલિ પરિવારના તમામ પ્રિય સભ્યો માટે એક સારા સમાચાર છે. પતંજલિ ગ્રૂપની કંપની રૂચી સોયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ફોલો-ઓન ઓફર (FPO) રિટેલ રોકાણકારો માટે ખુલ્લી કરવામાં આવી છે. ઈસ્યુ 28 માર્ચે બંધ થશે. આ ઈશ્યુ શેર દીઠ રૂ. 615-650ના ભાવે ઉપલબ્ધ છે જે બજાર કિંમત કરતા 30 ટકા ઓછો છે. તમે આ શેર માટે તમારા DEMAT એકાઉન્ટમાંથી બેંક/બ્રોકર/ASBA/UPI દ્વારા રોકાણ કરી શકો છો.”
આ કિસ્સામાં, સેબીએ અગ્રણી બેંકિંગ મેનેજરોને આવા SMS વિશે તમામ રોકાણકારોને મંગળવાર અને બુધવારે અખબારોમાં જાહેરાતો આપવાનો નિર્દેશ આપ્યો છે. રુચિ સોયાએ ગયા અઠવાડિયે કંપનીને સંપૂર્ણપણે દેવામુક્ત બનાવવા અને સેબીના શેરહોલ્ડિંગ ધોરણોને પહોંચી વળવા રૂ. 4,300 કરોડનો FPO લોન્ચ કર્યો હતો. કંપનીએ તેના સ્પષ્ટીકરણમાં કહ્યું હતું કે આ મેસેજમાં કંપનીનો કોઈ હાથ નથી.
Published On - 7:24 am, Thu, 7 April 22