ક્રિકેટ બાદ હવે સચિન તેંડુલકર ઈન્વેસ્ટમેન્ટની ઈનિંગ્સમાં પણ ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે. સચિન તેંડુલકરે 9 મહિના પહેલા હૈદરાબાદની કંપની આઝાદ એન્જિનિયરિંગમાં 5 કરોડ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું હતું. ગુરુવારે 28 ડિસેમ્બર, 2023 ના રોજ આઝાદ એન્જિનિયરિંગના શેર સ્ટોક માર્કેટમાં લિસ્ટ થયા હતા. શેરનું લિસ્ટિંગ થતાની સાથે જ સચિનને આઝાદ એન્જિનિયરિંગમાંથી 531 ટકાનું જબરદસ્ત રિટર્ન મળ્યું છે.
સચિને IPO દ્વારા 26.5 કરોડ રૂપિયાનો હંગામી નફો કર્યો છે. આ મોટા ફાયદા સાથે તેંડુલકરે ઓસ્ટ્રેલિયન બોલર મિચેલ સ્ટાર્કને પણ પાછળ છોડી દીધો છે. સ્ટાર્ક IPL માં સૌથી મોંઘો ખેલાડી હતો. ટીમે તેને 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ઈકોનોમિક ટાઈમ્સના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે.
સચિન તેંડુલકરે 6 માર્ચ, 2023 માં કંપનીના લગભગ 5 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. આઝાદ એન્જિનિયરિંગની શરૂઆત વર્ષ 1983માં થઈ હતી. કંપની એરોસ્પેસ અને ટર્બાઈન ઘટકોનું ઉત્પાદન કરે છે. આઝાદ એન્જિનિયરિંગ એરોસ્પેસ, સંરક્ષણ, ઉર્જા, તેલ અને ગેસ ઉદ્યોગોમાં મૂળ સાધન ઉત્પાદકોને તેના ઉત્પાદનો સપ્લાય કરે છે.
IPO પહેલા સ્ટોક સ્પ્લિટ અને બોનસ ઈશ્યુ થયા બાદ સચિન તેંડુલકરે કંપનીના 4,38,210 શેર હતા. સચિન તેંડુલકર પાસે રહેલા એક શેરના ભાવ અંદાજે 114.1 રૂપિયા હતા. સચિને કંપનીના IPOમાં પોતાનો હિસ્સો વેચ્યો નહોતો.
આઝાદ એન્જિનિયરિંગનો શેર 28 ડિસેમ્બરે NSE પર 720 પર લિસ્ટ થયો હતો. કંપનીના શેર 524 રૂપિયાની ઈશ્યૂ પ્રાઈસ કરતાં 37.4 ટકાના પ્રીમિયમ પર લિસ્ટ થયા હતા. સચિન તેંડુલકરના 5 કરોડ રૂપિયાના ઈન્વેસ્ટમેન્ટની વેલ્યુ વધીને 31.5 કરોડ રૂપિયા થઈ હતી. સચિનની સાથે પીવી સિંધુ, સાઈના નેહવાલ અને વીવીએસ લક્ષ્મણને પણ મોટો ફાયદો થયો છે.
આ પણ વાંચો : એક દિવસ પહેલા જ કંપનીનું શેરબજારમાં લિસ્ટિંગ થયું અને અબુ ધાબીની કંપનીએ ખરીદ્યો હિસ્સો, શેર બન્યા રોકેટ
આ ત્રણેય ખેલાડીઓએ આઝાદ એન્જિનિયરિંગમાં 1 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જોકે તેઓએ કંપનીના શેર સચિન તેંડુલકર પાસેથી બમણા ભાવે ખરીદ્યા હતા. એક શેરનો ભાવ 228.17 રૂપિયા રહ્યો હતો. પીવી સિંધુ, સાયના નેહવાલ અને વીવીએસ લક્ષ્મણને 215 ટકા રિટર્ન મળ્યું છે અને તેમના રોકાણનું મૂલ્ય હવે 3.15 કરોડ રૂપિયા થયું છે.