રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે કહ્યું કે, સમગ્ર વિશ્વમાં ચાલી રહેલા તણાવને કારણે મહામારી બાદ ભારત અને વિશ્વભરની અર્થવ્યવસ્થામાં (Economy) આવી રહેલી રિકવરી પર ગંભીર અસર પડશે. તેમણે કહ્યું કે માનવતા માટે અને અર્થવ્યવસ્થામાં રિકવરીને મજબૂત કરવા માટે પગલાં લેવાની જરૂર છે. તેમણે કહ્યું કે બીજા વિશ્વયુદ્ધ પછી વૈશ્વિક શાંતિ ક્યારેય આટલી જોખમાય નથી. રશિયા-યુક્રેન ઘટનાક્રમ ભારતની વિકાસ અપેક્ષાઓ માટે એક મોટો પડકાર તરીકે સામે આવ્યો છે. હાલમાં, રશિયન દળો યુક્રેનની સરહદની અંદર છે અને તણાવ સતત વધી રહ્યો છે અને આ કારણોસર યુરોપીયન અને અમેરિકન દેશોએ રશિયા સામે કડક પ્રતિબંધોની જાહેરાત કરી છે. જેના કારણે ફરીથી આર્થિક સુધારા પર અસર થવાની સંભાવના છે.
એશિયા ઈકોનોમિક ડાયલોગમાં બોલતા નાણામંત્રીએ કહ્યું કે દેશની વૃદ્ધિ સાથે એક નવો પડકાર ઉભો થયો છે અને બીજા વિશ્વયુદ્ધ પછી, આ પ્રકારનો તણાવ વિશ્વભરમાં ક્યારેય જોવા મળ્યો નથી. એવી આશંકા છે કે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વની આર્થિક રીકવરી પર ખૂબ જ ખરાબ અસર પડી શકે છે.
માનવતા માટે તે જરૂરી છે કે રીકવરી કોઈપણ અવરોધ વિના ચાલુ રહે. યુક્રેન પર હુમલાની સાથે જ કાચા તેલની કિંમતોમાં ઉછાળો આવ્યો છે અને કિંમતો પ્રતિ બેરલ 100 ડોલરને પાર પહોંચી ગઈ છે. આના કારણે ભારતના આયાત બિલમાં વધારો જોવા મળી શકે છે, જેના કારણે અર્થવ્યવસ્થા પર તેની અસર નકારાત્મક સાબિત થવાની આશંકા સેવાઈ રહી છે.
નોમુરાના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એશિયામાં ભારત આ તણાવથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાંથી એક બની શકે છે. રિસર્ચ કંપનીના રિપોર્ટ અનુસાર, તેલ અને ખાદ્યપદાર્થોની કિંમતોમાં કાયમી વધારાથી એશિયાની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર થવાની આશંકા છે. આમાં મોંઘવારી, ભૌતિક સંતુલન અને આર્થિક વૃદ્ધિ પર અસર થશે.
ભારત હાલમાં મહામારીની અસરમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યું છે. સરકાર હાલમાં ખર્ચ વધારીને માગ વધારવાનો પ્રયાસ કરી રહી છે. જો કે, વધતી જતી મોંઘવારીના કારણે સરકાર પાસે સંસાધનો મર્યાદિત રહેશે અને માગ વધારવાના પ્રયાસો પર ખરાબ અસર જોવા મળશે.
આ પણ વાંચો : વાયરલ થઈ રહ્યો છે 500 રૂપિયાની નોટ અંગેનો નકલી મેસેજ, જાણો કેવી રીતે ઓળખશો તમારી નોટ અસલી છે કે નકલી ?