સ્થાનિક શેરબજાર(Share Market)માં આજે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. શરૂઆતી ટ્રેડિંગમાં સેન્સેક્સ 400 પોઈન્ટ તૂટી ગયો છે જ્યારે નિફ્ટી 17500 નીચે આવી ગયો છે. આજે બેન્ક, ફાઈનાન્શિયલ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે જયારે ઓટો સેલ્સના ડેટા આવે તે પહેલા જ ઓટો શેરોમાં વેચવાલી છે. રિયલ્ટી સેક્ટર સિવાય દરેક સેક્ટર પર દબાણ છે.
નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં પણ 1 ટકાથી વધુનો ઘટાડો થયો છે. લાર્જ કેપમાં પણ નબળાઇ છે. સેન્સેક્સ 30 ના 27 શેર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. આજે સેન્સેક્સ ગઈકાલના બંધ સ્તરથી નીચે 58,889.77 પર ખુલ્યો હતો. ઇન્ડેક્સ આજે 58,577.96 સુધી નીચલા સ્તરે દેખાયો હતો. નિફટીની વાત કરીએ તો 17,531.90 ના સ્તર ઉપર ખુલ્યા બાદ સતત ઘટાડાના પગલે 17,459.25 સુધી તૂટ્યો હતો.
વૈશ્વિક સંકેત ખૂબ જ નબળા છે
વૈશ્વિક સંકેતો ખૂબ નબળા દેખાઈ રહ્યા છે. અમેરિકાના મુખ્ય બજારોમાં ગુરુવારે ઘટાડો જોવા મળ્યો હતો. કારોબારમાં ડાઉ જોન્સ 547 પોઇન્ટ તૂટીને 33,844 પર બંધ થયો છે, જે ઓક્ટોબર 2020 પછીનો સૌથી મોટો ઘટાડો છે. નાસ્ડેક અને એસએન્ડપી 500 સૂચકાંકો પણ ઘટાડા સાથે બંધ થયા છે. મહિનાના છેલ્લા દિવસે બજારમાં વેચવાલી જોવા મળી હતી. 10 વર્ષના બોન્ડ યીલ્ડમાં વધારો, મોંઘવારી વધવાનો ભય, વ્યાજ દરમાં વધારો થવાના સંકેતો અને ચીનમાં પ્રોપર્ટી માર્કેટ કટોકટી આ તમામ પરિબળોએ બજારના સેન્ટિમેન્ટ બગાડયા છે. મુખ્ય એશિયન બજારોમાં પણ વેચવાલી છે. એસજીએક્સ નિફ્ટી, નિક્કી અને સ્ટ્રેટ ટાઇમ્સ તમામ સૂચકાંકો લાલ નિશાનમાં છે. યુરોપિયન બજારોની વાત કરીએ તો FTSE, CAC અને DAX ઘટાડા પર બંધ થયા.
ગુરુવારે બજારની સ્થિતિ
સ્થાનિક શેરબજારમાં ગુરુવારે નબળાઈ જોવા મળી હતી. દિવસભર બજાર પર દબાણ રહ્યું અને અંતે સેન્સેક્સ 287 પોઇન્ટ તૂટીને બંધ થયો જયારે નિફ્ટી પણ 17600 ની નજીક આવી ગયો હતો. ખાનગી બેંકના શેરમાં ભારે વેચવાલી હતી. આઇટી, ફાર્મા, ફાઇનાન્શિયલ ઓટો અને મેટલ શેરોમાં પણ દબાણ જોવા મળ્યું. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 287 પોઇન્ટ ઘટીને 59126 ના સ્તર પર બંધ થયો હતો. નિફ્ટી પણ 93 પોઇન્ટ ઘટીને 17618 ના સ્તર પર બંધ થયો હતો. સેન્સેક્સ 30 ના 21 શેરો લાલ નિશાનમાં બંધ થયા હતા. ASIANPAINT, AXISBANK, KOTAKBANK, BAJAJ AUTO, SBI, M&M, TECHM, ITC અને ICICIBANK નો TOP LOSER માં સમાવેશ થયો હતો.
આ પણ વાંચો : LPG Gas Cylinder Price : પેટ્રોલ – ડીઝલ બાદ હવે LPG Cylinder ના ભાવમાં પણ ભડકો, જાણો લેટેસ્ટ રેટ
આ પણ વાંચો : તમે બેંકમાં Auto Debit Payments ફીચર સેટ કર્યું છે? તો આજથી લાગુ પડેલા ફેરફારને ધ્યાન રાખજો નહીંતર પડશો મુશ્કેલીમાં