
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ રોકાણકારોને એક મહત્વપૂર્ણ ચેતવણી આપી છે. શનિવાર, 8 નવેમ્બરના રોજ જાહેર કરાયેલ એક સત્તાવાર જાહેરાતમાં સેબીએ જણાવ્યું હતું કે, રોકાણકારોએ ડિજિટલ ગોલ્ડ અથવા ઈ-ગોલ્ડ જેવા Unregulated Products માં રોકાણ કરવાનું ટાળવું જોઈએ.
સેબીએ સ્પષ્ટ કર્યું કે, આ ડિજિટલ ગોલ્ડ સ્કીમ્સ ન તો સિક્યોરિટીઝ કે કોમોડિટી ડેરિવેટિવ્ઝની કેટેગરીમાં આવે છે. આથી, આના પર રોકાણકારો માટે કોઈ સુરક્ષા વ્યવસ્થા લાગુ પડતી નથી. સેબીએ તેની નોટિસમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં ઘણા ઓનલાઈન પ્લેટફોર્મ રોકાણકારોને ડિજિટલ ગોલ્ડ અથવા ઈ-ગોલ્ડમાં રોકાણ કરવાનો વિકલ્પ આપી રહ્યા છે. આને ફિઝિકલ ગોલ્ડમાં રોકાણ કરવા માટે સુરક્ષિત ડિજિટલ વિકલ્પ તરીકે પ્રમોટ કરવામાં આવી રહ્યા છે.
સેબીએ જણાવ્યું કે, કેટલાક ડિજિટલ/ઓનલાઈન પ્લેટફોર્મ રોકાણકારોને ‘Digital Gold/E-Gold Products’ માં રોકાણ કરવાની ઓફર કરી રહ્યા છે. ડિજિટલ ગોલ્ડનું ફિઝિકલ ગોલ્ડ વિકલ્પ તરીકે માર્કેટિંગ કરવામાં આવી રહ્યું છે, જ્યારે તે કોઈપણ નિયમનકારી માળખા હેઠળ આવતું નથી.
સેબીએ રોકાણકારોને ચેતવણી આપી છે કે, જો તેઓ ડિજિટલ ગોલ્ડ અથવા ઈ-ગોલ્ડમાં રોકાણ કરે છે, તો તેમને સેબીના Investor Protection Mechanism નો લાભ મળશે નહીં. આ પ્રોડક્ટને સિક્યોરિટીઝ અથવા રેગ્યુલેટેડ કોમોડિટી ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે માન્યતા આપવામાં આવતી નથી. આનો અર્થ એ થયો કે, જો ડિજિટલ ગોલ્ડ વેચતું પ્લેટફોર્મ ડિફોલ્ટ થાય છે અથવા ગડબડી થાય છે, તો રોકાણકારોને સેબી હેઠળ કોઈ કાનૂની સુરક્ષા અથવા રિફંડ અધિકાર રહેશે નહીં.
સેબી એ પણ સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ રોકાણકાર સોનામાં રોકાણ કરવા માંગે છે, તો તેની પાસે સેબી-રેગ્યુલેટેડ પ્રોડક્ટ્સનાં ઘણા વિકલ્પો (ગોલ્ડ ETF, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ અથવા સોવરીન ગોલ્ડ બૉન્ડ્સ) ઉપલબ્ધ છે. આ પ્રોડક્ટ્સમાં રોકાણ સેબી-રજિસ્ટર્ડ ઇન્ટરમીડિયરીઝ દ્વારા કરી શકાય છે અને આ સંપૂર્ણપણે સલામત હોય છે.
તાજેતરના વર્ષોમાં ઘણી ખાનગી કંપનીઓએ મોબાઇલ એપ્લિકેશન્સ અને વેબસાઇટ્સ દ્વારા ડિજિટલ સોનું વેચવાનું શરૂ કર્યું છે. ઉદાહરણ તરીકે, ટાટા ગ્રુપની CaratLane, SafeGold, Tanishq અને MMTC-PAMP જેવી કંપનીઓ ગ્રાહકોને ડિજિટલ ગોલ્ડના નામ હેઠળ ઓનલાઈન સોનું ખરીદવાનો વિકલ્પ આપે છે.
આ ઉપરાંત, PhonePe, Google Pay અને Paytm જેવી એપ્સે પણ આ કંપનીઓ સાથે ભાગીદારી કરી છે, જેના કારણે યુઝર્સ તેમના મોબાઇલથી થોડા રૂપિયામાં પણ ગોલ્ડ ખરીદી શકે છે. CaratLaneની વેબસાઈટ મુજબ, “ડિજિટલ ગોલ્ડ એ એવી સુવિધા છે, જેમાં તમે સોનાને ઓનલાઇન ખરીદી શકો છો, ટ્રેક કરી શકો છો અને ઇચ્છા મુજબ તેને જ્વેલરી અથવા ગોલ્ડ કૉઇનના રૂપમાં રિડિમ કરી શકો.”