એસબીઆઈ લાઇફ (SBI Life) ઈન્શ્યોરન્સે તેના માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર ગયા વર્ષની સરખામણીમાં માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો (Profit) 26.3 ટકા વધીને 672 કરોડ રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે. SBI લાઈફે વર્ષ અગાઉના ક્વાર્ટરમાં 532 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. આજે સ્ટોક એક્સચેન્જોને આપવામાં આવેલી માહિતીમાં SBI લાઈફે જણાવ્યું હતું કે 2021-22ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર દરમિયાન કંપનીની કુલ આવક વધીને 21,427.88 કરોડ રૂપિયા થઈ છે, જે 2020-21ના સમાન સમયગાળામાં 20,896.70 કરોડ રૂપિયા હતી. એટલે કે, એક વર્ષ દરમિયાન આવકમાં 2.5 ટકાનો વધારો જોવા મળ્યો છે.
ગયા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં ચોખ્ખી પ્રીમિયમ આવક 17,433.77 કરોડ રૂપિયા રહી, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં 15,555.74 કરોડ રૂપિયાની તુલનાએ 12.07 ટકા વધુ છે. જ્યારે સંપૂર્ણ વર્ષ 2021-22 માટે કંપનીનો ચોખ્ખો નફો વધીને 1,506 કરોડ રૂપિયા થયો છે, જ્યારે 2020-21માં તે 1,456 કરોડ રૂપિયા હતો. વર્ષ દરમિયાન આવક વધીને 83,027.20 કરોડ રૂપિયા થઈ છે, જે એક વર્ષ અગાઉ 82,084.89 કરોડ રૂપિયા હતી.
SBI લાઈફે જણાવ્યું હતું કે તેણે FY22માં નવા બિઝનેસ (VoNB)ના મૂલ્યમાં 39 ટકાનો વધારો નોંધાવ્યો છે અને તેમાં 3,700 કરોડ રૂપિયાનો વધારો થયો છે. VONBએ ચોક્કસ સમયગાળા દરમિયાન નીતિઓમાંથી અપેક્ષિત ભાવિ કમાણીનું વર્તમાન મૂલ્ય છે. કંપનીએ જણાવ્યું હતું કે તેણે 23.4 ટકા હિસ્સા સાથે 12,870 કરોડ રૂપિયાના વ્યક્તિગત રેટેડ પ્રીમિયમ સાથે ખાનગી કંપનીઓમાં તેનું અગ્રણી સ્થાન જાળવી રાખ્યું છે.
2021-22માં વ્યક્તિગત નવા બિઝનેસનું પ્રીમિયમ 32 ટકા વધીને રૂ. 16,500 કરોડ થયું છે. ન્યૂ બિઝનેસ પ્રીમિયમ (NBP)એ પ્રથમ પોલિસી વર્ષમાં ચૂકવવાપાત્ર વીમા પ્રીમિયમ છે. 13મા મહિના માટે કંપનીનો પર્સિસ્ટન્સી રેશિયો 85.18 ટકા છે. ગુણોત્તર તે પોલિસીધારકોને દર્શાવે છે કે જેમણે તેમના રિન્યુઅલ પ્રિમીયમ ચૂકવ્યા છે. SBI લાઈફે જણાવ્યું હતું કે 31 માર્ચ, 2022ના રોજ AUM 21 ટકા વધીને રૂ. 2.7 લાખ કરોડ થઈ હતી.
સારા પરિણામોની અપેક્ષાએ આજે શેરમાં ઉછાળો જોવા મળ્યો છે. SBI લાઈફ ઈન્સ્યોરન્સનો શેર આજે 4 ટકાના વધારા સાથે 1116.55ના સ્તર પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન શેર 1125.60ના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો. સ્ટોકની વર્ષની ઉચ્ચતમ સપાટી 1,293 અને નીચી સપાટી 914.35 છે. આજની વૃદ્ધિ સાથે, કંપનીનું બજાર મૂલ્ય 1.11 લાખ કરોડ રૂપિયાના સ્તરે છે.