Mutual Fund : રોકાણ (Investment) કરવા માટે મ્યુચ્યુઅલ ફંડ અને SIPને સારામાં સારો વિકલ્પ માનવામાં આવે છે. જો કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણને ખૂબ સારુ માનવામાં આવે છે. મ્યુચ્યુઅલ ફંડની ઘણી શ્રેણીઓ છે. જેમાંથી એક Overnight funds છે.
ઓવરનાઈટ એવુ રોકાણ છે કે જે એક રાત માટે જ કરવામાં આવે છે. SEBIએ જ્યારે મ્યુચ્યુઅલ ફંડની કેટેગરીને રેગ્યુલેટ કરી ત્યારે ઓવરનાઈટ ફંડને અલગ કેટેગરીમાં મુક્યા. તેમાં પારદર્શકતા માટે સમય સમય પર સરક્યુલર પણ લાવવામાં આવ્યા.
ઓવરનાઈટ ફંડ્સ ડેટ કેટેગરીનું રોકાણ છે, જે એવા વિકલ્પોમાં રોકાણ કરે છે જે એક જ દિવસમાં પરિપક્વ થઈ જાય છે. દરેક ટ્રેડિંગ દિવસની શરૂઆતમાં ફંડના એસેટ અન્ડર મેનેજમેન્ટ (AUM) કેશમાં હોય છે. જેના દ્વારા બોન્ડ ખરીદવામાં આવે છે અને તે પછીના કામકાજના દિવસે પરિપક્વ થાય છે.
પછી બીજા દિવસે તેની શરૂઆત ફરીથી બોન્ડ્સમાં રોકાણ કરવાથી થાય છે, જે તેના બીજા દિવસે ફરીથી પરિપક્વ થાય છે અને આ પ્રક્રિયા ચાલુ રહે છે. એકંદરે તમે દરરોજ તેમાંથી પૈસા ઉપાડી શકો છો. અહીં તરલતાની કોઈ મુશ્કેલી નથી.
જો તમારી પાસે મોટી રકમ છે અને તમે લોક-ઇન પિરિયડવાળા વિકલ્પમાં તેનું રોકાણ કરવા માગતા નથી. તો તમે ઓવરનાઈટ ફંડ્સમાં રોકાણ કરી શકો છો. જેથી તમે જ્યારે ઈચ્છો ત્યારે પૈસા ઉપાડી શકો અને તેના પર વળતર પણ મળતુ રહે. જો તમે રાતોરાત કેટેગરીમાં રોકાણ કરવા માંગતા હોવ તો તમારી ખરીદી અને ઉપાડ માટેની અરજીઓ ફક્ત ટ્રેડિંગ કલાક દરમિયાન જ કરવાની રહેશે.
બોન્ડ અને ડેટ માર્કેટમાં વ્યાજદર વધવાને કારણે ચિંતા વધી જતી હોય છે. વ્યાજદરમાં વધારો થતાં ડેટ ફંડનું વળતર ઘટે છે. જો કોઈ કંપની ડિફોલ્ટ થાય છે, તો તેના બોન્ડ્સ અથવા કોમર્શિયલ પેપર્સનું મૂલ્ય ઘટે છે. ઓવરનાઈટ ફંડ્સમાં આ પ્રકારનું જોખમ ઓછું હોય છે. કેમ કે તેમાં માત્ર એક રાત સુધી રોકાણ હોય છે. જેથી તે સમયગાળામાં વ્યાજ દરોમાં મોટા ડિફોલ્ટ અથવા મોટા ફેરફારની કોઈ શક્યતા નથી.
આ ફંડ્સને તેમની રોકાણની પદ્ધતિને કારણે રાતોરાત ફંડ્સ નામ આપવામાં આવ્યું છે. તમારું રોકાણ પાછું ખેંચવાનો કોઈ નિશ્ચિત સમય નથી. તમે જ્યારે ઈચ્છો ત્યારે આ રકમ ઉપાડી શકશો. જેમ તમે અન્ય ડેટ ફંડ્સમાં ટૂંકા ગાળા માટે રોકાણ કરો છો, તેમ તમે રાતોરાત અથવા થોડા મહિનાઓ માટે તેમા પૈસા રાખી શકો છો.
લિક્વિડ ફંડ સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે જેની પાકતી મુદત 91 દિવસ સુધીની હોય છે જેમ કે ટ્રેઝરી બિલ્સ, કોમર્શિયલ પેપર્સ અથવા ડિપોઝિટના પ્રમાણપત્રો. જ્યારે ઓવરનાઇટ ફંડ રેપો ટ્રેડ્સમાં રોકાણ કરે છે. જે એક જ દિવસમાં પરિપક્વ થાય છે. લિક્વિડ ફંડમાં નોમિનલ એક્ઝિટ લોડ હોય છે જ્યારે ઓવરનાઇટ ફંડમાં કોઈ એક્ઝિટ લોડ હોતો નથી.
(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)