છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન રિયલ એસ્ટેટ(Real Estate)બિઝનેસમાં બમ્પર તેજી નોંધાઈ છે. જેના કારણે ગુજરાતમાં અમદાવાદ સહીત રાજધાની દિલ્હી-એનસીઆર સહિત દેશના અનેક મહાનગરો અને મોટા શહેરોમાં ફ્લેટ અને મકાનો મોંઘા થઈ ગયા છે. આ વર્ષે અમદાવાદમાં મકાનો અને ફ્લેટ ખુબ મોંઘા થયા છે.એક સ્કવેરફૂટની કિંમત 4000 રૂપિયા સરેરાશ ચૂકવવી પડી રહી છે. દેશના તમામ મોટા શહેરોની વાત કરીએતો ખાસ વાત એ છે કે ઘર અને ફ્લેટની કિંમતમાં સૌથી વધુ વધારો ગુડગાંવમાં થયો છે. હવે ગુડગાંવમાં ફ્લેટ અને ઘર ખરીદવા માટે લોકોએ પહેલા કરતા ઘણા વધુ પૈસા ખર્ચવા પડશે.
PropTiger.comના રિપોર્ટ અનુસાર દેશના ઘણા શહેરોમાં ફ્લેટ અને મકાનોની કિંમતમાં 6 ટકાનો વધારો થયો છે. ખાસ કરીને ગુડગાંવમાં આ વધારો થોડો વધુ જોવા મળી રહ્યો છે. અહીં દર વધારાનો આંકડો બે આંકડાને પાર કરી ગયો છે.PropTiger.com એ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર માટે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. આ અહેવાલને રિયલ ઇનસાઇટ રેસિડેન્શિયલ નામ આપ્યું છે.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે એપ્રિલથી જૂન મહિના દરમિયાન ઘર અને ફ્લેટની માંગમાં જબરદસ્ત વધારો થયો છે. ખરીદદારો તેમના ઘર ખરીદવા માટે ઘણા પૈસા ખર્ચવા તૈયાર છે. જેના કારણે મકાનો અને ફ્લેટની કિંમત સરેરાશ 6 ટકા મોંઘી થઈ છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે એપ્રિલથી જૂન મહિના દરમિયાન દેશના 8 મોટા શહેરોમાં રિયલ એસ્ટેટની સરેરાશ કિંમત વધીને 7000-7200 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ થઈ ગઈ છે, જે પોતે જ 6%નો વધારો છે. .
આ 8 મોટા શહેરોમાં ચેન્નાઈ, અમદાવાદ, હૈદરાબાદ, બેંગલુરુ, મુંબઈ, કોલકાતા, પુણે અને દિલ્હી-એનસીઆરનો સમાવેશ થાય છે. સૌથી મોટી વાત એ છે કે આ વર્ષે અમદાવાદમાં મકાનો અને ફ્લેટ 7 ટકા મોંઘા થયા છે. હવે અમદાવાદમાં એક સ્ક્વેર ફૂટ માટે તમારે 3700 થી 3900 રૂપિયા ખર્ચવા પડશે. એ જ રીતે બેંગ્લોરમાં પ્રતિ ચોરસ ફૂટ મકાનોનો દર રૂ.6300થી રૂ.6500 સુધી પહોંચી ગયો છે. એટલે કે ભાવમાં 9 ટકાનો વધારો થયો છે. જો કે, ચેન્નાઈના લોકોને ઘર ખરીદવા માટે વધુ ખિસ્સા ખાલી કરવા પડશે નહીં. અહીં કિંમતમાં માત્ર 3 ટકાનો વધારો થયો છે. તે જ સમયે, દિલ્હી એનસીઆર પણ આ મામલે પાછળ નથી. અહીંના મકાનો હવે પહેલાની સરખામણીમાં 6 ટકા મોંઘા થઈ ગયા છે.