એક ફંડ મેનેજરે આજે બ્લૂમબર્ગને જણાવ્યું હતું કે ભારતીય ફિનટેક કંપની પેટીએમની પ્રારંભિક જાહેર ઓફરમાં રોકાણ કરવું એ “ખૂબ જ ઉંચા જોખમ વાળો દાવ” સાબિત થઈ શકે છે અને જો સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ થાય તો કંપનીના મૂલ્યાંકનમાં મોટો ઉછાળો જોવા નહીં મળે.
એલ્ડર કેપિટલના ઈન્વેસ્ટમેન્ટ મેનેજર રાખી પ્રસાદે જણાવ્યું હતું કે “Paytmના કિસ્સામાં જોઈએ તો જ્યાં નેટવર્ક અસર એક તાકાતના રૂપમાં છે, તે વેપારી પરિપ્રેક્ષ્યમાં સૌથી મોટું ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ છે. કંપની પાસે આનો લાભ લેવા માટે લાંબો સમય છે અને આશા છે કે ભવિષ્યમાં આનાથી થોડો ફાયદો પેદા થશે.”
તેમણે કહ્યું કે “મધ્યમથી લાંબા ગાળામાં આ અત્યંત જોખમી દાવ છે,” રાખીએ વધુમાં ઉમેર્યું હતું કે “ટૂંકા ગાળામાં ખરેખર કંઈ થવાનું નથી. હું કહીશ કે તેની માંગ જોવા મળી શકે છે, પરંતુ તેમાં કોઈ મોટું લિસ્ટિંગ ગેઈન જોવા મળશે નહીં, જેમ કે અમે તાજેતરમાં કેટલીક અન્ય કંપનીઓમાં જોયું છે.”
એન્ટ ગ્રુપના રોકાણ વાળી Paytmની IPO સાઈઝ લગભગ 2.5 અરબ ડોલરની છે. જે સોમવાર 8 નવેમ્બરે બિડિંગ માટે ખુલ્યો છે. આ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO છે. Paytmના IPO માટે બિડિંગની છેલ્લી તારીખ 10 નવેમ્બર છે. IPOની પ્રાઈસ બેન્ડ પ્રતિ શેર 2,080-2,150 રૂપિયા નક્કી કરવામાં આવી છે. BlackRock Inc અને અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી જેવા એન્કર રોકાણકારોએ Paytmના IPOમાં ભારે રસ દાખવ્યો હતો.
Paytmએ કુલ રૂ 18,300 કરોડના IPOમાં એન્કર રોકાણકારો પાસેથી 45 ટકા અથવા રૂ 8,235 કરોડ એકત્ર કર્યા છે. એન્કર રોકાણકારો માટે આરક્ષિત હિસ્સા માટે 10 ગણી બિડ મળી છે. આમાં લગભગ 75 રોકાણકારોએ બોલી લગાવી હતી. Paytmના એન્કર રોકાણકારોમાં BlackRock, CPPIB, બિરલા મ્યુચ્યુઅલ ફંડ અને GIC સહિત ઘણા બ્લુચિપ રોકાણકારોનો સમાવેશ થાય છે.
Paytm ભારતમાં વેપારી બજારનો સૌથી મોટો હિસ્સો ધરાવે છે. જો કે તે Google દ્વારા રોકાણ કરેલ Google Pay અને Walmart દ્વારા રોકાણ કરેલ Phonepay તરફથી સખત સ્પર્ધાનો સામનો કરી રહી છે. એક રિપોર્ટ અનુસાર ભારતીય મોબાઈલ પેમેન્ટ માર્કેટની વેલ્યુ 2024 સુધીમાં 2 લાખ કરોડ ડોલરથી પણ વધુ થઈ જશે.
Paytmનો IPO એવા સમયે આવ્યો છે જ્યારે ભારતમાં યુનિકોર્ન ટેક્નોલોજીમાં તેજી જોવા મળી રહી છે અને શેરબજાર રેકોર્ડ ઉંચી સપાટીએ છે. ફૂડ ડિલિવરી સ્ટાર્ટઅપ ઝોમેટો અને બ્યુટી સ્ટાર્ટઅપ નાયકાની પ્રારંભિક જાહેર ઓફરો પ્રથમ દિવસે સંપૂર્ણ સબ્સ્ક્રાઈબ થઈ હતી, જે સ્પેસમાં રિટેલ રોકાણકારોનો ભારે રસ દર્શાવે છે.