
સરકારી કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે NPS (નૅશનલ પેન્શન સિસ્ટમ) હેઠળ ગ્રેચ્યુઇટી સંબંધિત નિયમો અંગે નવી સ્પષ્ટતા જારી કરી છે. પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ (DoPPW) દ્વારા બહાર પાડવામાં આવેલા આ નવા આદેશ મુજબ, હવે ગ્રેચ્યુઇટીને “એક વખતનો ટર્મિનલ લાભ” તરીકે ગણવામાં આવશે, જેના કારણે ઘણા કર્મચારીઓને ફરીથી ગ્રેચ્યુઇટી મળવાની આશા પર પાણી ફરી વળ્યું છે.
26 ડિસેમ્બર, 2025ના રોજ જાહેર કરાયેલા તાજેતરના ઓફિસ મેમોરેન્ડમમાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે કયા સંજોગોમાં કર્મચારીઓ ગ્રેચ્યુઇટી મેળવવા માટે હકદાર બનશે અને ક્યારે તેઓ આ લાભ માટે પાત્ર નહીં ગણાય. આ નિર્ણય ખાસ કરીને એવા કર્મચારીઓ માટે મહત્વનો છે, જેઓ નિવૃત્તિ બાદ ફરીથી સરકારી નોકરીમાં જોડાય છે અથવા લશ્કરમાંથી નિવૃત્તિ લીધા પછી સિવિલ સેવામાં પ્રવેશ કરે છે.
DoPPW મુજબ, NPS હેઠળ આવરી લેવાતા કર્મચારીઓ માટે ગ્રેચ્યુઇટી હવે “વન-ટાઇમ ટર્મિનલ બેનિફિટ” ગણાશે. એટલે કે, નિવૃત્તિ સમયે એક વખત જ આ લાભ મળશે. સરળ શબ્દોમાં કહીએ તો, ગ્રેચ્યુઇટી કર્મચારીને તેમની લાંબી સેવાના બદલામાં નિવૃત્તિ સમયે આપવામાં આવતી રકમ છે, જે એક જ વ્યક્તિને વારંવાર આપવામાં આવી શકે નહીં.
વિભાગે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ કર્મચારીએ નિવૃત્તિ, ફરજિયાત નિવૃત્તિ અથવા અન્ય કોઈ કારણસર પહેલેથી જ ગ્રેચ્યુઇટી મેળવી હોય, તો તે વ્યક્તિ ફરીથી સરકારી નોકરીમાં જોડાયા બાદ બીજી ગ્રેચ્યુઇટી માટે હકદાર નહીં બને. સરકારનું માનવું છે કે ગ્રેચ્યુઇટી એક ટર્મિનલ લાભ છે અને તે એક જ વ્યક્તિને અલગ-અલગ સેવા ગાળાઓ માટે વારંવાર ચૂકવી શકાય નહીં.
આ નવા નિયમો નિવૃત્તિ બાદ ફરીથી રોજગાર મેળવનાર કર્મચારીઓ માટે થોડા જટિલ બની શકે છે. ખાસ કરીને એવા સૈનિકો માટે, જેઓ લશ્કરમાંથી નિવૃત્તિ લીધા પછી સિવિલ સેવામાં જોડાય છે. જો તેમણે લશ્કરી સેવામાં પહેલેથી જ ગ્રેચ્યુઇટી મેળવી હોય, તો સિવિલ સેવામાં ફરીથી ગ્રેચ્યુઇટીનો દાવો કરી શકાશે નહીં. અત્યાર સુધી આ મુદ્દે સ્પષ્ટતા ન હોવાથી ગૂંચવણ હતી, જેને સરકારે હવે દૂર કરી છે.
જો કે, કેટલાક કર્મચારીઓ માટે સરકાર તરફથી રાહતના સમાચાર પણ છે. જો કોઈ કર્મચારી અગાઉ જાહેર ક્ષેત્રના ઉપક્રમ (PSU) અથવા સ્વાયત્ત સંસ્થામાં કામ કરતો હોય અને ત્યાંથી ગ્રેચ્યુઇટી મેળવ્યા બાદ, યોગ્ય મંજૂરી સાથે કેન્દ્ર સરકારની સેવામાં જોડાય, તો તેમને કેન્દ્ર સરકારની નોકરી માટે અલગ ગ્રેચ્યુઇટી મળવાની જોગવાઈ રહેશે.
પરંતુ સરકારે અહીં પણ એક મહત્વપૂર્ણ શરત મૂકી છે. બંને નોકરીમાંથી મળતી કુલ ગ્રેચ્યુઇટી એ એટલી જ હોવી જોઈએ, જેટલી રકમ કોઈ કર્મચારીને માત્ર કેન્દ્ર સરકારમાં પૂર્ણકાળ સેવા આપ્યા બાદ મળતી હોત. એટલે કે, ગ્રેચ્યુઇટી પર મહત્તમ મર્યાદા લાગુ રહેશે અને ડબલ લાભ મળશે નહીં.
પેન્શન વિભાગે રાજ્ય સરકારમાંથી કેન્દ્ર સરકારમાં જોડાતા કર્મચારીઓ માટે પણ નિયમો સ્પષ્ટ કર્યા છે. આવા કર્મચારીઓની અગાઉની અને વર્તમાન સેવાને જોડીને ગ્રેચ્યુઇટીની ગણતરી કરવામાં આવશે, પરંતુ કુલ ચૂકવણી સરકાર દ્વારા નક્કી કરેલી મહત્તમ મર્યાદાથી વધુ નહીં હોય.
ચાંદીમાં ભાવ વધારાથી ગુજરાતમાં 44 દુકાનો થઈ બંધ ! જાણવા માટે અહીં ક્લિક કરો…