ડૉલર સામે રૂપિયા (Dollar vs Rupee)માં ઘટાડો અટકવાનું નામ નથી લઈ રહ્યું, આજે સતત ચોથા દિવસે રૂપિયામાં નબળાઈ જોવા મળી હતી અને ડૉલર સામે રૂપિયો 76.50ના સ્તરે સરકી ગયો હતો. રશિયા-યુક્રેન સંકટ (Russia Ukraine crisis)વચ્ચે વિદેશી ફંડો દ્વારા સ્થાનિક બજારમાંથી બહાર નીકળવાના કારણે રૂપિયામાં નબળાઈ જોવા મળી રહી છે. આસપાસની અનિશ્ચિતતા અને ફેડરલ રિઝર્વના સંકેતોને લીધે વિદેશી રોકાણકારો ઇક્વિટી જેવા વધુ જોખમી રોકાણ વિકલ્પોમાંથી બહાર નીકળી રહ્યા છે. જેની અસર રૂપિયા પર જોવા મળી રહી છે. વેચવાલીના કારણે આજે સ્થાનિક શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો છે. જો ડોલર સામે રૂપિયામાં આવી જ નબળાઈ ચાલુ રહેશે તો દેશ પર આયાત બિલનો બોજ વધી શકે છે.
કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો નબળાઈ સાથે ખુલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન રૂપિયો 76.34ની એક દિવસની ઊંચી સપાટીએ નોંધાયો હતો જ્યારે તે ઘટીને 76.53ના સ્તરે સરકી ગયો હતો. કારોબારના અંતે રૂપિયો 21 પૈસાની મજબૂતી સાથે 76.50 પર બંધ થયો હતો. પાછલા સત્રમાં રૂપિયો 76.29 પર બંધ થયો હતો. મંગળવારે ડોલર ઇન્ડેક્સ 0.02 ટકા વધીને 100.79 ના સ્તરે પહોંચ્યો છે. ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે બ્રેન્ટ ક્રૂડ હજુ પણ પ્રતિ બેરલ 111 ડોલરની ઉપર ટ્રેડ કરી રહ્યું છે. સ્થાનિક શેરબજારમાં ઘટાડાની અસર રૂપિયામાં જોવા મળી હતી. શરૂઆતી ઉછાળા બાદ મુખ્ય સૂચકાંકો 1 ટકાથી વધુના ઘટાડા સાથે બંધ થયા છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે રૂ. 5,871.69 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.
HDFC સિક્યોરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમારના જણાવ્યા અનુસાર સ્થાનિક બજારોમાંથી વિદેશી ફંડના એક્ઝિટથી રૂપિયા પર દબાણ આવ્યું છે. તેમના મતે, વિદેશી રોકાણકારો હાલમાં બોન્ડ યીલ્ડ, મોંઘવારીનો દર અને યુદ્ધના સંકેતોને ધ્યાનમાં રાખીને જોખમી સંપત્તિમાંથી બહાર નીકળી રહ્યા છે. રેલિગેર બ્રોકિંગના વીપી કોમોડિટી સુગંધા સચદેવના મતે ઇક્વિટી માર્કેટમાં વેચવાલીથી રૂપિયા પર દબાણ આવ્યું છે. ડૉલર ઇન્ડેક્સ 2 વર્ષની ટોચે પહોંચ્યા પછી પણ રૂપિયા માટે સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે.
રૂપિયામાં નબળાઈથી આયાત બિલ વધવાની ચિંતા છે કારણ કે ભારત આયાતલક્ષી દેશ છે. આવી સ્થિતિમાં ભારતની તિજોરીમાંથી વધારાના નાણાં બહાર આવી શકે છે. ક્રૂડ ઓઇલના ભાવમાં વધારા વચ્ચે રૂપિયામાં નબળાઈને કારણે ભારતને ક્રૂડની ખરીદી પર બેવડું નુકસાન થઈ રહ્યું છે. જોકે ભારત હાલમાં ઘણા દેશોમાં અનાજની નિકાસ વધારી રહ્યું છે. તે જ સમયે દેશમાંથી સેવાઓ અને માલસામાનની નિકાસ પણ વધી રહી છે. તેથી રૂપિયામાં નબળાઈ નિકાસકારો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.