તાજેતરમાં આવકવેરા વિભાગે(Income Tax Department) ઇન્કમટેક્સની વેબસાઇટ(New IT Portal)માં આવી રહેલી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને રિટર્ન ભરવાની તારીખ 3 મહિના લંબાવી હતી. હવે 31 ડિસેમ્બર સુધી રિટર્ન ફાઈલ કરી શકાશે. ઈન્કમ ટેક્સ પોર્ટલની સમસ્યા લોન્ચિંગ બાદથીજ મુશ્કેલીઓ ઉભી કરી રહી હતી. ઇન્ફોસિસે(Infosys) ગુરુવારે સ્વીકાર્યું કે કેટલાક વપરાશકર્તાઓ હજુ પણ આવકવેરા પોર્ટલને એક્સેસ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને ખાતરી આપી છે કે તે આવકવેરા વિભાગના સહયોગથી પોર્ટલની સુવિધા માટે ઝડપથી કામ કરી રહ્યું છે.
જૂનમાં પોર્ટલ શરૂ થયા બાદ સતત તકલીફોના કારણે ઇન્ફોસિસને ટીકાનો સામનો કરવો પડ્યો હતો. આઇટી કંપનીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સપ્તાહમાં પોર્ટલના વપરાશમાં સતત વધારો જોવા મળ્યો છે અને ત્રણ કરોડથી વધુ કરદાતાઓએ પોર્ટલમાં લોગીન કર્યું છે અને વિવિધ વ્યવહારો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. ઇન્ફોસિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “કરોડો કરદાતાઓના વ્યવહારોની સફળ સમાપ્તિ સાથે પોર્ટલમાં સતત સુધારો થયો છે. કંપની હજુ પણ કેટલાક વપરાશકર્તાઓ દ્વારા સામનો કરવામાં આવતી મુશ્કેલીઓને સ્વીકારે છે અને વપરાશકર્તા અનુભવને વધુ વધારવા માટે આવકવેરા વિભાગના સહયોગથી ઝડપથી કામ કરી રહી છે.
3 કરોડથી વધુ કરદાતાઓએ લોગીન કર્યું
છેલ્લા કેટલાક સપ્તાહમાં પોર્ટલે કરદાતાઓ ની ચિંતાઓ દૂર કરી છે અને તેના વપરાશમાં સતત વધારો થયો છે. નિવેદન અનુસાર અત્યાર સુધીમાં ત્રણ કરોડથી વધુ કરદાતાઓએ પોર્ટલમાં લોગીન કર્યું છે અને સફળતાપૂર્વક વિવિધ વ્યવહારો પૂર્ણ કર્યા છે.
કંપની 1200 કરદાતાઓ સાથે સતત સંપર્કમાં છે
ઇન્ફોસિસે જણાવ્યું હતું કે તે કેટલાક વપરાશકર્તાઓ દ્વારા સામનો કરવામાં આવી રહેલી સમસ્યાઓને સ્વીકારે છે અને તેમની ચિંતાઓને વધુ સારી રીતે સમજવા માટે 1,200 થી વધુ કરદાતાઓ સાથે સીધી સંપર્કમાં છે. કંપનીએ કહ્યું કે તે આ પડકારોનો ઝડપથી ઉકેલ લાવવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સમુદાય સાથે મળીને કામ કરી રહી છે.
નાણાં મંત્રાલયે CEOને સમન્સ મોકલ્યું હતું
પોર્ટલની ચાલી રહેલી સમસ્યાઓ વચ્ચે નાણા મંત્રાલયે પોર્ટલ તૈયાર કરનાર અગ્રણી આઇટી કંપની ઇન્ફોસિસના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) સલિલ પારેખને હાજર થવા કહ્યું હતું. પારેખને નાણામંત્રી નિર્મલા સીતારમણ સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું હતું. જવાબ માંગવામાં આવ્યો હતો કે પોર્ટલ પર સમસ્યાઓ શા માટે છે અને તે કેમ ઉકેલાતી નથી?
સરકારે પોર્ટલ માટે ઇન્ફોસિસને 164.5 કરોડ રૂપિયા ચૂકવ્યા
કેન્દિરીય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે સરકારે આવકવેરા વિભાગ માટે નવી વેબસાઇટ બનાવવા માટે જાન્યુઆરી 2019 થી જૂન 2021 વચ્ચે ઇન્ફોસિસને 164.5 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. નાણા રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે નવી ઈ-પોર્ટલ વેબસાઈટ સ્થાપવાનો કોન્ટ્રાક્ટ ઈન્ફોસિસને ઓપન ટેન્ડર દ્વારા આપવામાં આવ્યો હતો. આ કરાર સેન્ટ્રલ પબ્લિક પ્રોક્યોરમેન્ટ પોર્ટલ (CPPP) પર જારી કરવામાં આવ્યો હતો. પંકજ ચૌધરીએ સંસદને જણાવ્યું કે કેન્દ્રીય કેબિનેટે 16 જાન્યુઆરી, 2019 ના રોજ આ પ્રોજેક્ટ માટે 4,241.97 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. આ ખર્ચ આગામી 8.5 વર્ષમાં કરવામાં આવશે. આમાં મેનેજ્ડ સર્વિસ પ્રોવાઇડર (MSP), જીએસટી, ભાડું, ટપાલ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ ખર્ચનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : Income Tax Penalty: ITR ફાઈલ કરવામાં કરશો વિલંબ તો ચૂકવવો પડશે 5000 રૂપિયાનો દંડ, જાણો વિગતવાર
આ પણ વાંચો : Demat ખાતાધારકો માટે મહત્વના સમાચાર! 7 દિવસમાં પતાવી લો આ કામ નહીંતર ખાતું DEACTIVE થઈ જશે