વર્ષ 2002માં ધીરુભાઈ અંબાણી (Dhirubhai Ambani)ના નિધન બાદ મુકેશ અંબાણી (Mukesh Ambani) અને અનિલ અંબાણી (Anil Ambani) વચ્ચે પ્રોપર્ટીની વહેંચણીને લઈને વિવાદ થયો હતો. આ વિવાદ વર્ષો સુધી ચાલ્યો અને અંતે તેમની માતા કોકિલાબેને બંને ભાઈઓમાં ભાગલા પાડ્યા અને હોદ્દેદારોના વિરોધ છતાં બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) તે વિભાજનને મંજૂરી આપી. મુકેશ અંબાણીને એ ઘા આજે પણ યાદ છે. આ જ કારણ છે કે તેઓએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries)ના વિભાજનની તૈયારી અત્યારથી જ શરૂ કરી દીધી છે.
એક અહેવાલ અનુસાર મુકેશ અંબાણી દુનિયાભરના એવા મોડલ પર વિચાર કરી રહ્યા છે, જેનો ઉપયોગ વિશ્વના અન્ય અબજોપતિઓએ તેમની સંપત્તિના વિતરણમાં કર્યો છે. મુકેશ અંબાણીનું સામ્રાજ્ય 208 બિલિયન ડોલરની નજીક છે. તે નથી ઈચ્છતા કે આટલી મોટી સંપત્તિની વહેંચણીને લઈને તેના ત્રણ બાળકો વચ્ચે કોઈ પણ પ્રકારનો વિવાદ થાય. રિપોર્ટ અનુસાર અંબાણીને વોલમાર્ટ ઈન્કની વોલ્ટન ફેમિલી ફોર્મ્યુલા પસંદ આવી છે.
એવું માનવામાં આવે છે કે મુકેશ અંબાણી તેમની સંપત્તિ એક ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરશે. આ ટ્રસ્ટ પાસે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માલિકી હશે. આ ટ્રસ્ટમાં મુકેશ અંબાણી, પત્ની નીતા અંબાણી, ત્રણ બાળકો – આકાશ, અનંત અને ઈશાનો હિસ્સો હશે. અંબાણીના કેટલાક ખાસ લોકોને ટ્રસ્ટના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે બોર્ડનું સંચાલન બહારથી આવેલા કુશળ વ્યાવસાયિકોના હાથમાં રહેશે.
એક રિપોર્ટ અનુસાર જો આપણે એશિયાની વાત કરીએ તો આવનારા દાયકામાં લગભગ 1.3 ટ્રિલિયન ડોલરની સંપત્તિ પ્રથમ પેઢીથી આગામી પેઢીમાં ટ્રાન્સફર થશે.
નીતા અંબાણી હાલમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડમાં છે. આ સિવાય તેઓ ઘણા સામાજિક પરોપકારી કાર્યોમાં પણ વ્યસ્ત છે. ઈશા અંબાણીએ યેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. જ્યારે અનંત અંબાણી અને આકાશ અંબાણીએ બ્રાઉન યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.
વોલમાર્ટના વોલ્ટન પરિવારની વાત કરીએ તો સેમ વોલ્ટરે 20-20 ટકા સંપત્તિ તેના ચાર બાળકોમાં વહેંચી દીધી હતી. જેના કારણે ટેક્સનો બોજ પણ ઓછો થયો અને બિઝનેસ પર પરિવારનો જ કબ્જો બની રહ્યો. વોલમાર્ટમાં 50 ટકાથી વધુ હિસ્સો હાલ પરિવારના સભ્યો પાસે છે.
આ પણ વાંચો : Maharashtra: મુંબઈ પોલીસે ડ્રગ્સ સ્મગલર અજમલ તોતલાની ધરપકડ કરી, જેનો ઉલ્લેખ ડ્રગ્સ કેસમાં નવાબ મલિકે કર્યો છે