
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે કંપની ગુજરાતના કચ્છમાં 5,50,000 એકર જમીન પર વિશ્વના સૌથી મોટા સિંગલ-સાઇટ સોલાર પ્રોજેક્ટ્સમાંથી એક વિકસાવી રહી છે, જે સિંગાપોરનાક કદ કરતા ત્રણ ગણો મોટો હશે. તેમણે કહ્યું કે તેના ટોચના સમયે, આ પ્રોજેક્ટ દરરોજ 55 મેગાવોટ સોલાર મોડ્યુલ અને 150 મેગાવોટ કલાક બેટરી કન્ટેનર ઇન્સ્ટોલ કરશે, જે તેને વૈશ્વિક સ્તરે સૌથી ઝડપી ઇન્સ્ટોલ કરેલા પ્રોજેક્ટ્સમાંનો એક બનાવશે.
RILના ચેરમેન મુકેશ અંબાણીએ કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકોને જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ આગામી દાયકામાં ભારતની વીજળીની જરૂરિયાતોના લગભગ 10 ટકાને પૂર્ણ કરી શકે છે. આ પ્રોજેક્ટ જામનગર અને કંડલામાં રિલાયન્સના દરિયાઈ અને જમીન માળખા સાથે જોડાયેલ હશે, જેનાથી મોટા પાયે સોલાર અને હાઇડ્રોજન એકીકરણ શક્ય બનશે.
મુકેશ અંબાણીએ કહ્યું છે કે તેમની કંપની રિલાયન્સ હવે ‘ગ્રીન એમોનિયા’, ‘ગ્રીન મિથેનોલ’ અને ટકાઉ ઉડ્ડયન બળતણ જેવા પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનો બનાવશે અને તેને અન્ય દેશોમાં વેચશે. તેનો ઉદ્દેશ્ય ભારતને વિશ્વનું એક મુખ્ય અને સસ્તું કેન્દ્ર બનાવવાનો છે જ્યાં ગ્રીન હાઇડ્રોજન અને તેમાંથી બનેલા ઉત્પાદનોનું ઉત્પાદન થાય છે.
શરૂઆતમાં, કંપની આ ઉત્પાદનોનો ઉપયોગ પોતાની જરૂરિયાતો માટે કરશે, પરંતુ તે 2032 સુધીમાં ગ્રીન હાઇડ્રોજનની ઉત્પાદન ક્ષમતા વધારીને 3 મિલિયન ટન પ્રતિ વર્ષ કરવાની યોજના ધરાવે છે.
આ સાથે, અંબાણીએ એવી પણ જાહેરાત કરી કે રિલાયન્સની સૌર ઉર્જા પેનલ ઉત્પાદન ફેક્ટરી હવે કાર્યરત થઈ ગઈ છે. આ ફેક્ટરીએ શરૂઆતમાં 200 મેગાવોટ એડવાન્સ્ડ ટેકનોલોજી (HJT) સોલર મોડ્યુલ બનાવવાનું શરૂ કર્યું છે. આ નવા મોડ્યુલ જૂના મોડ્યુલ કરતાં 10 ટકા વધુ વીજળી ઉત્પન્ન કરે છે, ગરમીમાં 20 ટકા વધુ સારી રીતે કામ કરે છે અને તેમના નુકસાનની શક્યતા 25 ટકા ઓછી છે.
આ સાથે, રિલાયન્સ બે મોટી ફેક્ટરીઓ (ગીગા ફેક્ટરી) પણ બનાવી રહી છે. એક બેટરી બનાવવા માટે અને બીજું ઇલેક્ટ્રોલાઇઝર બનાવવા માટે. બેટરી ફેક્ટરી વર્ષ 2026 માં શરૂ થશે અને શરૂઆતમાં દર વર્ષે 40 ગીગાવોટ બેટરી બનાવવાની ક્ષમતા હશે, જેને પછીથી 100 ગીગાવોટ સુધી વધારી શકાય છે. ઇલેક્ટ્રોલાઇઝર ફેક્ટરી પણ 2026 ના અંત સુધીમાં શરૂ થશે અને તેની ક્ષમતા દર વર્ષે 3 ગીગાવોટ હશે.
આનાથી ખૂબ મોટા પાયે અને સસ્તા દરે ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન શક્ય બનશે. અંબાણીએ કહ્યું કે સૌર ઉર્જા, બેટરી સ્ટોરેજ અને હાઇડ્રોજન ઉત્પાદનને એકસાથે જોડવાથી મોટા પાયે ફાયદા, ઓછી કિંમત, સારી ટેકનોલોજી અને મજબૂત સપ્લાય ચેઇન મળશે, જે વિશ્વના ઊર્જા સંક્રમણને વેગ આપશે અને કંપની લાંબા ગાળે સારો નફો કરશે.