RBI New Rules : નાના ઉદ્યોગો માટે વ્યાજ દરમાં રાહત, જાણો RBIના નવા નિયમો શું છે…

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) અને સરકારે MSME ક્ષેત્ર માટે લોન મેળવવાનું સરળ બનાવ્યું છે. MSME લોનને હવે બાહ્ય બેન્ચમાર્ક સાથે જોડવામાં આવી છે, જેનાથી વ્યાજ દરોમાં ઝડપથી ઘટાડો થશે.

RBI New Rules : નાના ઉદ્યોગો માટે વ્યાજ દરમાં રાહત, જાણો RBIના નવા નિયમો શું છે...
| Updated on: Dec 14, 2025 | 6:14 PM

હવે દેશમાં MSME ક્ષેત્ર માટે સસ્તી અને સરળ લોન મેળવવાનો માર્ગ વધુ સરળ બન્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને નાણાકીય રીતે મોટી રાહત મળશે.

સરકારએ સંસદમાં માહિતી આપતાં જણાવ્યું કે MSMEs ને સસ્તી લોન સુલભ કરાવવા માટે તેમની લોનને હવે બાહ્ય બેન્ચમાર્ક સાથે જોડવામાં આવી છે. આ વ્યવસ્થા હેઠળ લોન પરનો વ્યાજ દર દર ત્રણ મહિને ફરીથી રિસેટ થશે, જેથી વ્યાજ દરમાં થતા ફેરફારનો લાભ MSME ઉદ્યોગોને ઝડપથી મળી શકે. સાથે જ, હાલના લોન ધારકોને પણ પરસ્પર સંમતિથી નવી સિસ્ટમમાં સ્વિચ કરવાની તક આપવામાં આવી છે.

રોજગારની તકોમાં પણ વધારો

આ પગલાંનો મુખ્ય હેતુ નાના અને મધ્યમ ઉદ્યોગોને ઓછા વ્યાજ દરે લોન ઉપલબ્ધ કરાવવાનો છે, જેથી તેઓ પોતાનો વ્યવસાય સરળતાથી વિસ્તારી શકે. સરકારના આ નિર્ણયથી MSME ક્ષેત્રને મજબૂત આધાર મળશે અને રોજગારની તકોમાં પણ વધારો થશે.

આ સાથે, ગુણવત્તા નિયંત્રણ આદેશ (QCO) અંતર્ગત MSMEs ને અનેક છૂટછાટો આપવામાં આવી છે. સ્થાનિક ઉત્પાદનને નુકસાન ન થાય તે માટે સૂક્ષ્મ ઉદ્યોગોને છ મહિનાનો અને નાના ઉદ્યોગોને ત્રણ મહિનાનો વધારાનો સમયગાળો આપવામાં આવ્યો છે. નિકાસ માટે કાચા માલની આયાત, સંશોધન અને વિકાસ (R&D) માટે મર્યાદિત આયાત તેમજ જૂના સ્ટોકના ક્લિયરન્સ માટે પણ છૂટછાટ આપવામાં આવી છે.

BIS ફીમાં નોંધપાત્ર છૂટછાટ

સરકારએ વધુમાં જણાવ્યું કે MSMEs ને BIS ફીમાં નોંધપાત્ર છૂટછાટ આપવામાં આવશે, જેથી તેમના પર વધારાનો નાણાકીય ભાર ન પડે. આ ઉપરાંત, મ્યુચ્યુઅલ ક્રેડિટ ગેરંટી યોજના હેઠળ મશીનરી અને સાધનો ખરીદવા માટે લોન મેળવવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

મહત્વપૂર્ણ બાબત એ છે કે સૂક્ષ્મ અને નાના ઉદ્યોગોને ₹10 લાખ સુધીની લોન માટે કોઈપણ પ્રકારનું કોલેટરલ આપવાની જરૂર રહેશે નહીં. સરકારનું માનવું છે કે આ તમામ પગલાં MSME ક્ષેત્રને નાણાકીય રીતે મજબૂત બનાવશે અને દેશની અર્થવ્યવસ્થાને નવી ગતિ આપશે.