Share Market : નબળા વૈશ્વિક સંકેત વચ્ચે ભારતીય શેરબજાર સામાન્ય વધારા સાથે લીલા નિશાન ઉપર ખુલ્યા છે. સેન્સેક્સ(Sensex) 55,614.40 ઉપર ખુલ્યો હતો જેનું છેલ્લા સત્રનું બંધ સ્તર 55,550.30 હતું. શુક્રવારે સેન્સેક્સ 85.90 પોઈન્ટ વધીને 55,550 પર બંધ થયો હતો. બીજી તરફ નિફટી(Nifty)એ આજે 16,528.80 પર કારોબારનો પ્રારંભ કર્યો હતો . શુક્રવારે ઇન્ડેક્સ 35 પોઈન્ટ વધીને 16,630 પર બંધ થયો હતો. કારોબારની શરૂઆત બાદ બંને મુખ્ય ઇન્ડેક્સમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી. સેન્સેક્સ ગણતરીના સમયમાં 250 અને નિફટી 70 અંક ઉછળ્યા હતા.
રશિયા અને યુક્રેન વચ્ચે હુમલા અટકવાનું નામ લઈ રહ્યા નથી ત્યારે આ યુદ્ધની અસર ફરી એકવાર અમેરિકન બજારો પર જોવા મળી છે. શુક્રવારના ટ્રેડિંગ સેશન દરમિયાન વૈશ્વિક બજારોમાં મિશ્ર સંકેતો જોવા મળ્યા હતા. શુક્રવારે યુએસ બજારો દબાણ હેઠળ આવ્યા હતા અને ઇન્ડેક્સ લાલ નિશાન સાથે બંધ થયો હતો. ડાઉ જોન્સ 200થી વધુ પોઈન્ટ તૂટ્યો અને ઈન્ડેક્સ 0.69 ટકાના ઘટાડા સાથે 32944 પર બંધ થયો. આ સિવાય નાસ્ડેકમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો અને આ ઈન્ડેક્સ 286 પોઈન્ટ્સ ઘટ્યો હતો, એટલે કે તે 2.18 ટકા ઘટીને 12843 પર બંધ થયો હતો. એનર્જી સિવાયના તમામ સેક્ટર પર દબાણ જોવા મળ્યું હતું. રુસો-યુક્રેનિયન યુદ્ધે યુ.એસ.ના કન્ઝ્યુમર સેન્ટિમેન્ટને નુકસાન પહોંચાડ્યું છે. એશિયન બજારોની વાત કરીએ તો અહીં પણ ઘટાડાના સંકેતો છે. SGX નિફ્ટી 45 પોઈન્ટ નીચે છે અને ઈન્ડેક્સ લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યો છે.
11 માર્ચના ટ્રેડિંગ સેશન દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ શેરબજારમાંથી રૂ. 2263.90 કરોડ પરત ખેંચ્યા હતા જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 1686.85 કરોડનું રોકાણ કર્યું હતું.
શેરબજાર શુક્રવારે સતત ચોથા દિવસે ઉછળ્યું હતું. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 85.90 પોઈન્ટ વધીને 55,550 પર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 35 પોઈન્ટ વધીને 16,630 પર બંધ થયો હતો. ફાર્મા અને બેંકિંગ સેક્ટરના શેરમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 246 પોઈન્ટ ઘટીને 55,218 પર ખુલ્યો હતો.તેના 30માંથી 16 વધ્યા અને 14 ઘટ્યા હતા.